
પોરબંદર, 05 જાન્યુઆરી (હિ.સ.) : સામાન્ય રીતે હરતા ફરતા દવાખાનાઓ કાર્યરત હોય છે, પરંતુ પોરબંદરના ઘેડ પંથકમાં હરતો ફરતો બોગસ ડોક્ટર ઝડપાયો છે. જે કેશોદ થી આવીને ઘેડ પંથકના ગામડાના બસ સ્ટેશન સહિત ઘરે ઘરે જઈને અને વાડી વિસ્તારમાં પણ લોકોના સારવાર નિદાન કરીને તગડી કમાણી કરતો હતો.
પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષકથી બી.યુ.જાડેજા દ્વારા પોરબંદર જીલ્લામાં માનવજીંદગી જોખમાય તે રીતે કોઈપણ જાતની લાયકાત કે ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરોને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા પોલીસ ઇન્સપેકટર વાય. જી. માથુકીયા, તથા પોલીસ ઇન્સપેકટર પી. ડી. જાદવ ને સુચના આપવામાં આવેલ, જે સુચના આધારે એસ.ઓ.જી. સ્ટાફના પો. હેડ કોન્સ. ભરતસિંહ કે. ગોહિલ તથા પો.કોન્સ અરજનભાઈ ઓડેદરાને બાતમીરાહે હકીકત મળેલ કે, રાજપર (નવાગામ), ભડ, મિત્રાળા, દેરોદર, એરડા ગામે મોસીન હુસેન જેઠવા, ઉ.વ.39 રહે. ગાયત્રી પાન વાળી ગલ્લી, લીમડા ચોક કેશોદ થીબાઇક પર આવીને અલગ અલગ ગામના બસ સ્ટેશન પાસે તેમજ વાડીએ અને ઘર બેઠા સારવાર આપતો હતો. કોઈપણ જાતની લાયકાત વગર ડોકટર તરીકે મેડીકલ પ્રેકટીસ કરી અસાપાસના ગામોમાં દવાઓ આપે છે. જેથી રાજપર (નવાગામ) વિસ્તારમાં વોચ પેટ્રોલીંગ રાખી ઉપરોકત ઇસમને અલગ-અલગ જાતની કેપ્સ્યૂલ તથા દવાઓ તથા મેડીકલ તપાસણીના સાધનો, હીરો કંપનીનુ કાળા કલરનુ સી.ડી.ડોન રોકડા રૂપીયા મળી કુલ કિંમત રૂપીયા 35,820/-ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya