
અમરેલી, 05 જાન્યુઆરી (હિ.સ.) : જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે દેશસેવાના ગૌરવ સમા યુવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાબરકોટના યુવાન ભરતભાઈ મોહનભાઈ કવાડે ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ની કઠિન ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન વાપસી કરતાં સમગ્ર ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. સમસ્ત બાબરકોટ ગામ દ્વારા ઢોલ-નગારા, તાળીઓ અને જયઘોષ સાથે ભરતભાઈનું સામૈયું કરવામાં આવ્યું હતું. ગામના મુખ્ય માર્ગો પર લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દેશના જવાનને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. યુવાનો માટે પ્રેરણારૂપ બનેલા ભરતભાઈ કવાડની સફળતાને લઈ ગામમાં ગર્વની લાગણી જોવા મળી હતી.
સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ જણાવ્યું કે, બાબરકોટ જેવા નાના ગામમાંથી યુવાન દેશની સીમાઓની રક્ષા માટે આગળ આવે તે સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત છે. ભરતભાઈએ ITBPની ટ્રેનિંગ દરમિયાન શિસ્ત, દેશપ્રેમ અને ત્યાગની ભાવનાને આત્મસાત કરી છે, જે આવનારી પેઢી માટે માર્ગદર્શક બની રહેશે.
આ પ્રસંગે બાબરકોટ ગામે દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. ભરતભાઈ કવાડને મળેલા સન્માનથી યુવાનોમાં દેશસેવા માટેનો ઉત્સાહ વધુ પ્રબળ બન્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai