
- વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ભાગ લેવા ઉદ્યોગકારોને આહવાન કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
- રાજ્યના સર્વાંગી વિકાસના હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર હંમેશા ઉદ્યોગોની સાથે ઊભી છે: હર્ષ સંઘવી
- નાયબ મુખ્યમંત્રીના હસ્તે 10435 ઉદ્યોગ સાહસિકોને 956.51 કરોડની પ્રોત્સાહક સહાય વિતરણ, 137 ઉદ્યોગકારોને 661 કરોડના મંજૂરીપત્રોના વિતરણ કરાયા
- વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગ જગત માટે નવા યુગનું પ્રવેશદ્વાર બનશે: પ્રભારી મંત્રી જીતુ વાઘાણી
રાજકોટ, 05 જાન્યુઆરી (હિ.સ.) નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે રાજ્યના સર્વાંગી વિકાસના હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર હંમેશા ઉદ્યોગોની સાથે ઊભી હોવાની ખાતરી આપી હતી.
નાયબ મુખ્યમંત્રીએ આ તકે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ જેવા પ્લેટફોર્મ થકી રાજ્યમાં રોકાણ વધારવા અને ગુજરાતના વિકાસને પાંખો આપવા ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું.
આ અવસરે નાયબ મુખ્યમંત્રીના હસ્તે 10435 ઉદ્યોગ સાહસિકોને 956.51 કરોડની પ્રોત્સાહક સહાય વિતરણ તેમજ ઉદ્યોગ વિભાગની વિવિધ યોજના હેઠળ 137 ઉદ્યોગોને 661 કરોડના મંજૂરીપત્રોના વિતરણ કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે સંવાદ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ ઉદ્યોગકારોને સંબોધતા કહ્યું હતું કે, રાજ્યના ઉદ્યોગકારો સાહસ અને રોકાણ કરીને હજારો, લાખો યુવાનોના સપના સાકાર કરે છે, ત્યારે રાજ્ય સરકાર પણ ઉદ્યોગકારોના પ્રશ્નો હલ કરીને, તેઓ સરળતાથી રોકાણ, ઉત્પાદન કરીને ઉદ્યોગ ધંધાનો વિકાસ કરી શકે તે દિશામાં આગવા અભિગમ સાથે પ્રયત્નશીલ છે.
તેમણે કહ્યું હતું કે, રાજકોટ એ ગુજરાતનું ગ્રોથ એન્જિન છે જ. રાજકોટ હાલ રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુદ્દે રોકેટ ગતિએ ઊડી રહ્યું છે.
આગામી દિવસોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રાજકોટમાં થવા જઈ રહી છે અને 11 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનો પ્રારંભ કરાવવાના છે. આ કોન્ફરન્સથી રાજકોટ અને સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને બહુ મોટું પ્લેટફોર્મ અને બુસ્ટ મળશે.
નાના ઉદ્યોગોના વિકાસ માટે સરકાર દ્વારા થઈ રહેલી પ્રક્રિયાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, એમ.એસ.એમ.ઇ.નો વિકાસમાં મહત્વનો ફાળો હોય છે.
આથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આ સેક્ટરને બુસ્ટ કરવા પ્રયાસ કરી રહી છે. આ માટે વહીવટી તેમજ કાગળ પરની પ્રક્રિયાઓ સરળ બનાવીને ઉદ્યોગોના પ્રશ્નોના નિકાલ કરવામાં આવી રહ્યા છે.
ઉદ્યોગોના હિત માટે રાજ્યના ઉદ્યોગ વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરીને બિરદાવતા તેમણે કહ્યું હતું કે, અગાઉ રોજ ૨૨૫ જેટલા ઉદ્યોગકારોને સબસીડી અપાતી, હવે રોજ 450 સબસીડી મંજૂર કરાય છે અને આગામી દિવસોમાં રોજની 700 સબસીડીની મંજૂરી સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે.
આ તકે તેમણે કહ્યું હતું કે, દેશમાં પહેલીવાર ખૂબ જ ટૂંકા સમયમાં રાજ્યમાં 16થી વધુ જી.આઈ.ડી.સી. માટે જગ્યાની ઓળખ કરીને તેને ફાળવવાની કામગીરી મહેસૂલ વિભાગે કરી છે, જે પ્રશંસનીય છે.
આ બેઠકનો ધ્યેય સ્પષ્ટ કરતા તેમણે કહ્યું હતું કે, ઉદ્યોગકારોને તેમના પ્રશ્નો કે રજૂઆતો માટે ગાંધીનગર સુધી આવવું ના પડે, તેમના નાના મોટા પ્રશ્નોનો તત્કાલ નિકાલ કરી શકાય તે માટે સરકાર વિવિધ વિભાગો સાથે તમારે દ્વાર આવી છે.
ઉદ્યોગકારો રાજ્યના લાખો યુવાનોને રોજગારી આપીને તેમના સપના સાકાર કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર એક સહયોગી તરીકે તમારી પડખે ઊભી છે, એવો વિશ્વાસ તેમણે ઉદ્યોગકારોને અપાવ્યો હતો.
આ તકે તેમણે રાજ્યની ઔદ્યોગિક નીતિ હેઠળ આજે 10435 ઉદ્યોગ સાહસિકોને રૂપિયા 956.51 કરોડની પ્રોત્સાહક સહાય વિતરણ તેમજ ઉદ્યોગ વિભાગની ટેક્સટાઇલ, ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ, પર્યાવરણ, ઔદ્યોગિક માળખા વગેરે જેવી વિવિધ યોજના હેઠળ 137 ઉદ્યોગ સાહસિકોને 661 કરોડના મંજૂરીપત્રોનું વિતરણ કરવાની જાહેરાત પણ કરી હતી.
આ તકે રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજકોટ એ રાજ્યનો અત્યંત મહત્વનો ઔદ્યોગિક ગઢ છે. સ્થાનિક ધારાસભ્યો અને લોકપ્રતિનિધિઓ ઉદ્યોગ જગતના નાના-મોટા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી અને સરકાર સમક્ષ સતત જાગૃત રહી રજૂઆતો કરતા રહે છે, જે રાજકોટની વિકાસયાત્રાને વેગ આપી રહી છે.
મંત્રીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, આ કદાચ પ્રથમ એવી ઘટના છે જ્યારે આખું ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, તેના ઉચ્ચ સચિવો અને તમામ વરિષ્ઠ અધિકારીગણ સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજકોટના ઉદ્યોગપતિઓના પ્રશ્નોને રૂબરૂ સાંભળવા અને સ્થળ પર જ નિરાકરણ લાવવા માટે ઉપસ્થિત રહ્યા છે. જે સરકારની ઉદ્યોગો પ્રત્યેની સંવેદનશીલતા અને સકારાત્મક અભિગમ દર્શાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ચાલી રહેલી વિકાસની તેજ ગતિનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં યોજાઈ રહેલી આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ઉદ્યોગ જગત માટે નવા યુગનું પ્રવેશદ્વાર સાબિત થશે. જિલ્લા સ્તરે યોજાયેલા વર્કશોપ અને કોન્ફરન્સના પરિણામે કરોડો રૂપિયાના એમઓયુ થઈ રહ્યા છે.
મંત્રીએ ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ખાતરી આપતા જણાવ્યું હતું કે, ઉદ્યોગ જગતની મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવો અને યોગ્ય સમાધાન કરવું એ સરકારની પ્રાથમિક જવાબદારી છે. તેમજ સૌરાષ્ટ્ર કચ્છના અગ્રગણ્ય ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ