
વડોદરા, 05 જાન્યુઆરી (હિ.સ.) આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે. પેઢી દર પેઢી ખેતી આપણાં જીવન, સંસ્કૃતિ અને અર્થતંત્રનો આધાર રહી છે. પરંતુ વધતી વસ્તી અને વધુ ઉત્પાદનની દોડમાં છેલ્લાં કેટલાક દાયકાઓથી ખેતીમાં રાસાયણિક ખાતરો અને હાનિકારક જંતુનાશક દવાઓનો અતિશય ઉપયોગ થવા લાગ્યો છે. તેનાં પરિણામે જમીન, પાણી અને હવામાં ભારે પ્રદૂષણ ફેલાયું છે, જેની સીધી અસર માનવ સ્વાસ્થ્ય પર પડતી જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી માત્ર વિકલ્પ નહિ પરંતુ આવશ્યકતા બની છે.
પ્રાકૃતિક ખેતીમાં કોઈપણ પ્રકારનાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ કે કૃત્રિમ વૃદ્ધિકારક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો નથી. કુદરત સાથે સુમેળ સાધીને કરવામાં આવતી આ ખેતીમાંથી મળતા અનાજ, શાકભાજી અને ફળો સંપૂર્ણપણે શુદ્ધ અને ઝેરી તત્વોથી મુક્ત હોય છે. આવા ખોરાકનું સેવન કરવાથી શરીરમાં હાનિકારક રસાયણો એકઠાં થતાં નથી અને ધીમે ધીમે સ્વાસ્થ્ય બગાડતી અનેક ગંભીર બીમારીઓથી બચી શકાય છે.
રાસાયણિક ખાતરોમાં રહેલાં તત્વો લાંબા ગાળે કેન્સર, થાઇરોઇડ અસંતુલન, હૃદયરોગ અને ત્વચા સંબંધિત બીમારીઓનું કારણ બની શકે છે. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ઉગાડેલ ખોરાકમાં આવા કોઈ રાસાયણિક તત્વો ન હોવાને કારણે શરીર સ્વાભાવિક રીતે સ્વસ્થ રહે છે. આ ખોરાક શરીર માટે આરામદાયક અને સુપાચ્ય હોવાથી પાચનતંત્ર મજબૂત બને છે. ફાઇબર, ઉત્સેચકો અને પોષક તત્વોની ભરપૂર માત્રા પાચનને સરળ રાખે છે, જેથી કબજિયાત, ગેસ, અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓ દૂર રહે છે.
પ્રાકૃતિક ખેતીમાંથી મળતાં ખોરાકમાં વિટામિન, ખનિજ તત્વો અને એન્ટી-ઓક્સિડન્ટ્સ વધુ પ્રમાણમાં હોય છે. આ તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જેનાં કારણે સામાન્ય ચેપ, મોસમી રોગો અને એલર્જી સામે શરીર સારી રીતે લડી શકે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ પ્રકારનો ખોરાક અત્યંત લાભદાયક સાબિત થાય છે.
આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી પર્યાવરણ માટે પણ આશીર્વાદ સમાન છે. રાસાયણિક દવાઓનો છંટકાવ ન થવાથી હવા પ્રદૂષિત થતી નથી અને શુદ્ધ હવા ઉપલબ્ધ રહે છે. પરિણામે શ્વસનતંત્ર સંબંધિત રોગો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં, થવાની શક્યતા ઘટે છે. જમીન અને પાણી શુદ્ધ રહેતાં નદીઓ, ટ્યુબવેલ અને અન્ય જળસ્ત્રોતો સુરક્ષિત રહે છે, જેના કારણે કોલેરા, ઝાડા જેવા પાણીજન્ય રોગો ફેલાતાં અટકે છે.
એકંદરે જોવામાં આવે તો પ્રાકૃતિક ખેતી જેટલી જમીન અને પર્યાવરણ માટે લાભદાયક છે, તેટલી જ તે માનવ સ્વાસ્થ્ય માટે અમૂલ્ય છે. સ્વસ્થ ખોરાક, શુદ્ધ પાણી અને સ્વચ્છ હવા દ્વારા પ્રાકૃતિક ખેતી સ્વસ્થ અને દીર્ઘ આયુષ્ય તરફ દોરી જાય છે. આવતી કાલની પેઢી માટે સુરક્ષિત ભવિષ્ય સર્જવું હોય તો આજે પ્રાકૃતિક ખેતી અપનાવવી સમયની માંગ બની ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ