

- રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી પાંચ આયામો અને ગાય આધારિત ખેતી અપનાવી: ઉત્પાદન દોઢ ગણું અને આવક બમણી થઈ
- સ્વદેશી અભિયાન અંતર્ગત સશક્ત નારી મેળામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉગાડેલા શાકભાજીનું વેચાણ થકી ત્રણ દિવસમાં 10 હજારની આવક થઈ
- પ્રાકૃતિક કૃષિ થકી વિઘા દીઠ પ્રત્યેક સીઝનમાં 1 લાખની કમાણી કરતા નરસિંહપુરાના ખેડૂત
વડોદરા, 05 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રાકૃતિક કૃષિના અભિયાનને વેગ આપીને ગુજરાતના ધરતીપુત્રો હવે 'ઝીરો બજેટ' ખેતી તરફ વળ્યા છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના નરસિંહપુરા ગામના એક જાગૃત અને પ્રગતિશીલ ખેડૂત અમરસિંહ પઢિયારે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ થકી આર્થિક સમૃદ્ધિની નવી દિશા ચીંધી છે.
અમરસિંહ પઢિયાર પાસે પાંચ વિઘા જમીન છે, જેમાં તેઓ છેલ્લા આઠ વર્ષથી સંપૂર્ણપણે પ્રાકૃતિક કૃષિ કરે છે.
એક સમયે રાસાયણિક ખાતરો અને દવાઓના ખર્ચથી પરેશાન અમરસિંહે કૃષિ સાહિત્યના વાંચન અને 'આત્મા' પ્રોજેક્ટના કર્મયોગીઓના માર્ગદર્શનથી પ્રેરાઈને વર્ષ 2017માં રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી હતી. તેમણે જન, જમીન અને પર્યાવરણના સંરક્ષણ માટે ઈશ્વરીય કાર્ય સમાન પ્રાકૃતિક ખેતી અપનાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો.
આ પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક કૃષિના મુખ્ય પાંચ આયામો – બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્ર પાક પદ્ધતિનો ચુસ્તપણે અમલ કરે છે. વિશેષ બાબત એ છે કે, તેઓ પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરીને તિથિ અને નક્ષત્રોને ધ્યાનમાં રાખીને જ વાવેતર, દેશી દવાનો છંટકાવ અને લણણી જેવી પ્રક્રિયાઓ કરે છે, જેના અત્યંત સકારાત્મક પરિણામો મળ્યા છે.
હાલ શિયાળુ પાકમાં તેમણે પોતાની વાડીમાં ગિલોળી, મૂળા, બીટ, ગાજર, કોબી, ફ્લાવર, ટામેટી, ધાણા, પાલક, મરચી અને હળદર જેવા શાકભાજીનું મબલખ વાવેતર કર્યું છે.
પ્રાકૃતિક કૃષિના ફાયદા વર્ણવતા અમરસિંહભાઈ જણાવે છે કે, રાસાયણિક ખેતીમાં મોંઘાદાટ ખાતરો અને જંતુનાશકો પાછળ મોટો ખર્ચ થતો હતો અને જમીન પણ બગડતી હતી. પરંતુ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ ખેતીનો ખર્ચ સાવ નહિવત થઈ ગયો છે. સામે પક્ષે જમીનની ફળદ્રુપતા વધતા ઉત્પાદન દોઢ ગણું અને આવક બમણી થઈ છે.
તેઓ ગર્વભેર ઉમેરે છે કે, પ્રાકૃતિક કૃષિ અપનાવ્યા બાદ વિઘા દીઠ પ્રત્યેક સીઝનમાં તેમને 1 લાખનો ચોખ્ખો નફો મળી રહ્યો છે.
તાજેતરમાં વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે યોજાયેલા ‘સશક્ત નારી મેળા’માં તેમણે માત્ર ત્રણ દિવસમાં પ્રાકૃતિક શાકભાજીનું વેચાણ કરીને રૂ. ૧૦ હજારની કમાણી કરી હતી, જે પ્રાકૃતિક ઉત્પાદનોની માંગ દર્શાવે છે.
અમરસિંહભાઈ માત્ર પોતાના ખેતર પૂરતા સીમિત નથી, પરંતુ તેઓ 'કોમ્યુનિટી રિસોર્સ પર્સન' (CRP) તરીકે પણ સેવા આપી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે હેતુથી તેઓ પોતાના ગામ ઉપરાંત પાડોશમાં આવેલા ડબકા ગામના ખેડૂતોને જીવામૃત અને દશપર્ણી અર્ક (શક્તિશાળી જંતુનિયંત્રક) નિ:શુલ્ક પૂરો પાડે છે. રાજ્યપાલના હરિયાણા સ્થિત મોડેલ ફાર્મની મુલાકાત લઈને તેઓએ આ પદ્ધતિની વધુ ઊંડાણપૂર્વક સમજ મેળવી છે.
સ્થાનિક ખેડૂતોને ઘરઆંગણે જ પ્રાકૃતિક ખેતી માટે જરૂરી ઇનપુટ્સ મળી રહે તે માટે અમરસિંહભાઈએ સરકારની યોજના અંતર્ગત BRC (બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર) યુનિટ શરૂ કરવા માટે અરજી કરી છે, જેને મંજૂરી પણ મળી ગઈ છે. હવે ટૂંક સમયમાં તેઓ આ યુનિટ શરૂ કરીને આસપાસના વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીને વધુ વેગવંતી બનાવશે.
ખરા અર્થમાં, અમરસિંહ પઢિયારે ઝીરો બજેટ ખેતી થકી આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલીને અન્ય ખેડૂતોને રાસાયણિક કૃષિ છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવવાની પ્રેરક અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ