
સુરત, 05 જાન્યુઆરી (હિ.સ.) : ઉતરાણમાં આવેલ કઠોર ગામમાં રહેતા અને મોમીન સમાજમાં સમાજસેવાનો કાર્યકર્તા યુવકના નવા ઘરનું હાલમાં બાંધકામ ચાલી રહ્યું છે. ત્યારે તેના જ ગામમાં રહેતા અન્ય યુવકને તેમનું સમાજ સેવાનું કાર્ય પસંદ ન હતું. જેથી ગતરોજ તેમને યુવકના ભાણેજને ઢીકમુક્કીનો ઢોર માર મારી ચપ્પુના ઘા મારી દીધા હતા. એટલું જ નહીં પરંતુ હુમલાખોર ઈસમ સામે યુવકને અને મામા ભાણેજને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી ભોગ બનનાર વ્યક્તિએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે ઉત્રાણના કઠોર ગામમાં આવેલ છીપવાડ ફળિયુમાં રહેતા અખ્તર હુસેન ગુલામ અબ્બાસ મોમીનનું તેના જ ફળિયામાં નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. અખ્તર હુસેન મોમીન સમાજમાં સમાજસેવાનું કાર્ય કરે છે. જે વાત ઈમદાદ હુસેન મુસ્તાક હુસેન પાનવાલા (રહે છીપવાડ ફળિયુ, કઠોર ગામ) ને ગમતું ન હતું. જેથી તેમણે તારીખ 3/1/2026 ના રોજ સાંજે સાત વાગ્યાના અરસામાં અખ્તર હુસેનના નવા બંધાતા મકાન પર પહોંચી ગયો હતો. ભાણેજ મહેરબાન ત્યાં હાજર હતો ત્યારે ઈમદાદ હુસેને તેમને ઢીકમુક્કીનો ઢોર માર મારી માથામાં તથા કપાળના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા. એટલું જ નહીં પરંતુ અખ્તર હુસેનના નવા ઘરની ગ્રેનેટના માર્બલ પણ તોડી નાખી નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત તેમણે અખ્તર હુસેન અને તેના ભાણેજને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી આખરે ભોગ બનનાર અખ્તર હુસેને આ મામલે ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે