
ગાંધીનગર, 06 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા દર વર્ષે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે 'રાષ્ટ્રીય યુવા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 2026માં, 2047ના 'વિકસિત ભારત'ના વિઝનને સાકાર કરવાના હેતુથી ‘29મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ (VBYLD-2026) તરીકે આયોજન કરવામાં આવ્યું છે.
કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા ગુજરાતના યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે વિવિધ સ્તરે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં VBYLD-2026 અંતર્ગત બીજા તબક્કામાં ડિજિટલ નિબંધ લેખનમાં કુલ 1761 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાંથી 551 સ્પર્ધકોની પસંદગી ત્રીજા તબક્કામાં PPT પ્રેઝન્ટેશન ચેલેન્જ માટે કરવામાં આવી હતી, જેનું આયોજન IITE, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.
પસંદગી પ્રક્રિયાના અંતે નવી દિલ્હી ખાતેના રાષ્ટ્રીય મહોત્સવ માટે ગુજરાતના કુલ 76 પ્રતિભાશાળી યુવાનોની પસંદગી કરવામાં આવી છે.
નવી દિલ્હી ખાતે યોજાનારા મહોત્સવમાં ગુજરાતના યુવાનો ચાર મુખ્ય ટ્રેકમાં પોતાની કલા અને કૌશલ્યનું પ્રદર્શન કરશે.
જેમાં સાંસ્કૃતિક અને નવીનતા ટ્રેકમાં 27 સ્પર્ધકો, વિકસિત ભારત ચેલેન્જ ટ્રેક 45, ભારત માટે ડિઝાઇન 1, સામાજિક કારણમાં હેક માટે 3 એમ કુલ મળીને 76 સ્પર્ધકો આગામી 11 અને 12 જાન્યુઆરી,2026 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશેષ કાર્યક્રમમાં ભાગ લેશે.
તેમનું મનોબળ વધારવા આગામી 7 જાન્યુઆરી,2026ના રોજ લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ યુવાઓને મળીને વધુ પ્રોત્સાહિત કરશે અને રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું ગૌરવ વધારવા માટે શુભેચ્છાઓ પાઠવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહોત્સવમાં 15 થી 29 વર્ષની આયુ ધરાવતા યુવાનોમાં એકતા, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને રાષ્ટ્રીય એકીકરણની ભાવનાને વધુ મજબૂત બનાવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ