


પોરબંદર, 06 જાન્યુઆરી (હિ.સ.)આગામી 26મી જાન્યુઆરી 2026ના 'પ્રજાસત્તાક પર્વ'ની પોરબંદર જિલ્લા કક્ષાની ઉજવણીના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને પોરબંદર કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરએ રાષ્ટ્રીય પર્વની ગરિમા જળવાય અને નાગરિકોમાં દેશભક્તિનો સંચાર થાય તે રીતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
બેઠક દરમિયાન કલેક્ટરએ જિલ્લા કક્ષાના આ મુખ્ય સમારોહમાં પરેડ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનું આયોજન કરવા સબંધિત વિભાગોને સૂચના આપી હતી.
વધુમાં, કલેક્ટરએ કાર્યક્રમ સ્થળ પર બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થા તેમજ આરોગ્યની સુવિધાઓ સુનિશ્ચિત કરવા વિવિધ સમિતિઓની રચના કરી જવાબદારીઓ સોંપી હતી. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જિલ્લાની તમામ સરકારી ઇમારતોને રોશનીથી શણગારવા, સ્વચ્છતા ,વૃક્ષારોપણ કરવા તેમણે સૂચન કર્યું હતું.
આ ઉપરાંત, વિવિધ સરકારી વિભાગો દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓને પ્રદર્શિત કરતા ટેબ્લો તેમજ સ્ટોલ તૈયાર કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે 26 જાન્યુઆરી 2026 ના રોજ પોરબંદર જિલ્લા કક્ષાના કાર્યક્રમ માટે સરકારી વિનયન કોલેજ રાણાવાવને સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ઇનચાર્જ નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, અધિક કલેક્ટર એન. બી. રાજપુત, પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષ પટેલ, ડીવાયએસપી ધ્રુવલ સુતરીયા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડી. બી. મહેતા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ અન્ય કેટલાક અધિકારીઓ ઓનલાઇન માધ્યમથી પણ આ બેઠકમાં જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya