
-વાડીમાં પાર્ક કરેલી સ્પ્લેન્ડર પ્લસ અજાણ્યા ચોર લઈ ગયો
અમરેલી,06 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શાપર ગામમાં બાઈક ચોરીની ઘટના સામે આવી છે. શાપર ગામે વાડીએથી પાર્ક કરેલી બાઈક કોઈ અજાણ્યા ચોર ઇસમ દ્વારા ચોરી લઈ જવાઈ હોવાનું નોંધાયું છે, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના રહેવાસી અને હાલ શાપર ગામે વિનુભાઈ રૂડાણીની વાડીમાં રહી મજૂરી કામ કરતા સુરેશભાઈ સોહનભાઈ કટારા (ઉ.વ. 23)એ અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર તેમની માલિકીની હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ બાઈક, જેનું આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન નં. GJ-03-TJ-6560 છે અને અંદાજિત કિંમત રૂ. 20,000/- થાય છે, તે વાડીમાં શાપર ગામના રોડ ઉપર પાર્ક કરેલી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ કોઈ અજાણ્યો ચોર ઇસમ તક જોઈ, બાઈક ચોરી કરી લઈ ગયો હતો. ઘટના અંગે જાણ થતા જ ફરિયાદીએ પોલીસને માહિતી આપી હતી. પોલીસે ફરિયાદ આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ તેમજ શંકાસ્પદોની તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓને લઈ સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. લોકોમાં માંગ ઉઠી છે કે, રાત્રી પેટ્રોલિંગ વધારવામાં આવે અને ચોરીની ઘટનાઓ અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવે. પોલીસે પણ વહેલી તકે ચોરને ઝડપી બાઈક પરત અપાવવાની આશા વ્યક્ત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai