
પાટણ, 06 જાન્યુઆરી (હિ.સ.)પાટણ શહેરમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરીને પરપ્રાંતિય પરિવારોને મંજૂરી વિના મકાન ભાડે આપનાર પાંચ મકાન માલિકો સામે પોલીસ દ્વારા ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસ અને વહીવટીતંત્રની પરવાનગી વગર ભાડે મકાન આપવું કાયદા મુજબ ગુનો ગણાય છે.
આ કાર્યવાહી મીરાં દરવાજા–લક્ષ્મીપુરા વિસ્તારમાં પાટણ નગરપાલિકા દ્વારા ગંદકી વિરોધી કાર્યવાહી દરમિયાન શરૂ થઈ હતી. ત્યાં પાણીપુરીના ભઠ્ઠા તથા સડેલા બટાકા-મીઠાનો જથ્થો જપ્ત કરતી વખતે બે પરપ્રાંતિય પરિવારો મંજૂરી વિના રહેતા હોવાનું બહાર આવ્યું હતું.
આ મામલે મહેન્દ્ર કેદારભાઈ રાઠોડ (મધ્યપ્રદેશ) અને સાકેત વિરેન્દ્ર રાઠોડ (ઉત્તર પ્રદેશ)ને મકાન ભાડે આપનાર કિરણભાઈ રબારી અને લાલેશભાઈ દેસાઈ સામે બી.એન.એસ. 223 હેઠળ ગુના નોંધાયા છે. આ કાર્યવાહી જિલ્લા કલેક્ટર દ્વારા તા. 30-12-2025ના જાહેરનામાના ભંગ બદલ કરવામાં આવી છે.
આ ઉપરાંત આજે મીરાં દરવાજા, લક્ષ્મીપુરા વિસ્તારમાં વધુ ત્રણ મકાન માલિકો સામે પણ ગુના દાખલ થયા છે. જેમાં મંજૂરી અને વેરીફિકેશન વિના પરપ્રાંતિય ભાડૂઆતને મકાન ભાડે આપવાના કેસમાં લાલેશભાઈ દેસાઈ, અમરતભાઈ અને જયેશભાઈ ઠક્કર સામે કાર્યવાહી કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ