


પોરબંદર, 06 જાન્યુઆરી (હિ.સ.) શ્રી રામ સી સ્વિમિંગ કલબ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નેશનલ લેવલની સી સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું.જેમાં ભારત ના 16 રાજ્યો માંથી 1500 થી સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
શ્રી રામ સી સ્વીમીંગ કલબ દ્વારા જણાવ્યુ હતુ કે પોરબંદરમાં જ્યાં સૂર્ય દરિયાના ખોળે ઉગે છે અને મોજા સાથે સાહસ રમે છે એવા પોરબંદરના કુદરતી દરિયા કિનારે ફરી એકવાર દેશભરના સાહસિક તરવૈયાઓનો મહામેળો જામ્યો છે. લોકોના મનમા દરિયા પ્રત્યેનો ભય દૂર થાય અને સમુદ્ર સાથેની મિત્રતા વધે તે ઉદેશથી શ્રી રામ સી સ્વીમીંગ કલબ પોરબંદર દ્વારા છેલ્લા 24 વર્ષથી સતત નેશનલ સી સ્વિમીંગ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યુ છે.
આ વર્ષે આ આયોજન વિશેષ મહત્વ ધરાવે છે કારણકે શ્રી રામ સી સ્વીમીંગકલબ પોતાના 25 માં વર્ષમાં પ્રવેશ્યુ છે અને આ વર્ષે સિલ્વર જ્યુબેલી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે સવારે કડકડતી ઠંડીમાં રોમાંચક સ્પર્ધાનો શુભારંભ થયો છે.દેશના 16 જેટલા રાજ્યોમંથી સેંકડો અનુભવી અને યુવા તરવૈયાઓ પોરબંદર આવી પહોચ્યા છે અને ખુલ્લા દરિયામાં પોતાની શક્તિ, સાહસ અને સંયમનો પરિચય આપી રહ્યા છે.
સ્પર્ધા 1 કિ.મી,2કિ.મી., 5 કિ.મી., 10 કિ.મી. તથા 15 કિ.મી. અંતરની યોજાઈ રહી છે. જેમાં 6 વર્ષના બાળકોથી માંડીને 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો સુધીના ભાઇઓ તથા બહેનોએ ભાગ લીધો છે. ખાસ વાત એ છે કે દિવ્યાંગ (પેરા સ્વીમર) માટે પણ અલગ સ્પર્ધા યોજાઈ છે. જે અસમાન અવસર અને આત્મવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે. આ વર્ષથી 15 કિ.મી.ની લાંબી સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. જેને પુરી કરવા માટે 7.50 કલાકનો કટઓફ સમય રાખવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં ભાગ લેતા ખેલાડીઓની સંખ્યા નોંધપાત્ર છે 1 કિ.મી.માં 905, 2 કિ.મી.માં 214, 5 કિ.મી.માં 141, 10 કિ.મી.માં 50 અને 15 કિ.મી.માં 39 સ્પર્ધકો પોતાની ક્ષમતા અજમાવી રહ્યા છે. જ્યારે 1 અને 5 કિ.મી.માં દિવ્યાંગ કેટેગરીમાં કુલ 69 સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.
ખુલ્લા દરિયામાં યોજાયેલી આ સ્પર્ધા સંપૂર્ણ સુરક્ષિત બને તે માટે ઈન્ડીઈન નેવી, ઈન્ડીયન કોસ્ટગાર્ડ, પોરબંદર મહાનગરપાલિકા, પોરબંદર માચ્છીમારી સમાજ, જિલ્લા વહીવટીતંત્ર, તેમજ શ્રી રામ સી સ્વીમીંગ ક્લબની બોટો દ્વારા વિશાળ રેસ્ક્યુ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રીંગબોય, લાઈફ જેકેટ, બોટસ ઉપરાંત કલબ દ્વારા 15 જેટલી કયાક દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ખાસ નોંધનીય બાબત એ છે કે રાજકોટના પાંચ જેટલા કેન્સર વોરીયર્સ કયાક દ્વારા રેસ્ક્યુ સેવા આપી આ સ્પર્ધાને પ્રેરણાદાયક બનાવી રહ્યા છે.સ્પર્ધા દરમિયાન આરોગ્ય સલામતી માટે સિવિલ હોસ્પિટલ,પોરબંદર આરોગ્ય વિભાગ, 108 એમ્બ્યુલન્સ સેવા સાથે સાથે ડો. કમલ મહેતા, ડો.કે.એમ. ગરેજા, ડો. રામ ઓડેદરા, ડો. ઉર્વિશ મલકાણ, ડો. નીરલ કોટક તથા અન્ય ડોકટર્સ તેમની મેડીકલ ટીમ સાથે ઉપસ્થિત છે. ખેલાડીઓ માટે સ્ટ્રેચીંગ અને રીકવરી માટે એકસ્ટ્રીમ ફીટનેશ કેરના વોલીયન્ટર્સ પણ સેવા આપી રહ્યા છે. આ બે દિવસીય તરણસ્પર્ધામાં આજે બપોરે 1 કિ.મી. રેગ્યુલર તથા પેરા સ્વીમીંગ સ્પર્ધા યોજાઇ રહી છે. આ સ્પર્ધા માત્ર રમતગમત પૂરતી સીમિત નથી પરંતુ પોરબંદરના પ્રવાસન અને અર્થતંત્રને પણ નવી ગતિ આપશે. દેશભરમાંથી આવનારા ખેલાડીઓ, કોચ અને વાલીઓના કારણે શહેરની હોટલો, પ્રવાસનસ્થળો ને સ્થાનિક વેપારમાં પહલપહલ રહી છે. આ તરણસ્પર્ધાના સમુદ્ર ઉત્સવ તથા સ્પર્ધા પૂરી કરનારને સમુદ્રવીરનું બિરૂદ આપવામાં આવશે.આ વિશાળ સ્પર્ધાના આયોજન માટે હરિઓમ આશ્રમ(મુ. મોટાસુરત), સૌરાષ્ટ્ર સિમેન્ટ લિ., સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, સૌરાષ્ટ્ર કેમિકલ્સ લિ. (નિરમા ગ્રુપ), બી.એન્ડ એસ કેપિટલ (ભરત હીરજીભાઇ ઠકરાર યુ.કે.), એપ્ટસ ફાર્મા લિ. તેમજ અન્ય દાતાઓ તરફથી મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે.
પોરબંદર પોલીસ વિભાગ, ઇન્ડિયન નેવી, ઇન્ડિયનકોસ્ટગાર્ડ, શિક્ષકો, રોટરી કલબ ઓફ પોરબંદરના સભ્યો તથા મોટી સંખ્યામાં વોલીએન્ટર્સ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સંભાળવામાં આવી છે.શ્રી રામ સી સ્વીમીંગ કલબના તમામ સભ્યો એક ટીમ તરીકે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. અને આ બંને રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાઓને યાદગાર બનાવવા પુરજોશમાં પ્રયત્ન કરી રહ્યા છે અને વિશાળ સંખ્યામાં શહેરીજનો સ્પર્ધકોને બિરદાવવા માટે ઉમટી પડયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya