
-યુવા ઉત્સવમાં લોકગીત સ્પર્ધામાં ગુજરાતમાં પ્રથમ, હવે 7 જાન્યુઆરીએ દિલ્હીમાં રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં રાજ્યનું પ્રતિનિધિત્વ
અમરેલી,06 જાન્યુઆરી (હિ.સ.) બગસરા શહેર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. અમરેલી જિલ્લાના બગસરામાં આવેલ શ્રી ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલની પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓએ યુવા ઉત્સવ 2025 અંતર્ગત લોકગીત સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શહેર, જિલ્લો અને શાળાનું નામ રાજ્યસ્તરે ઉજાગર કર્યું છે. આ વિજય સાથે હવે મેઘાણી હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ આગામી તારીખ 7 જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
તાજેતરમાં મોરબી ખાતે આયોજિત રાજ્યકક્ષાના યુવા ઉત્સવમાં બગસરાની મેઘાણી હાઈસ્કૂલની વિદ્યાર્થીની તરવાડિયા અમિષા તથા તેમની ટીમે લોકગીત સ્પર્ધામાં ઉત્તમ રજૂઆત કરી હતી. લોકસંસ્કૃતિ, પરંપરા અને સંગીતની સુમેળભરી અભિવ્યક્તિ દ્વારા તેમણે નિરણીકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગુજરાતની લોકસાંસ્કૃતિક ધરોહરને જીવંત કરતી તેમની રજૂઆતને રાજ્યસ્તરે પ્રથમ ક્રમ મળતા સમગ્ર અમરેલી જિલ્લામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
શાળાના પ્રિન્સિપાલ વિ.કે. જેઠવાએ જણાવ્યું હતું કે, “આ સિદ્ધિ માત્ર વિદ્યાર્થીનીઓની મહેનતનું પરિણામ નથી, પરંતુ શિક્ષકોના સતત માર્ગદર્શન, શાળાના સંસ્કાર અને સંયુક્ત પ્રયત્નોનું ફળ છે. રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનું અવસર મળવું એ અમારા માટે અત્યંત ગૌરવની બાબત છે.”
આ સફળતા પાછળ શિક્ષક સ્નેહી પરમાર સાહેબ, વિનુભાઈ મકવાણા, કમલેશભાઈ ભટ્ટ, જયશ્રીબેન વાળા તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી બિપિન કુંભાર અને રૂપેશભાઈ સિકોતરાનું મહત્વપૂર્ણ માર્ગદર્શન રહ્યું છે. તેમણે લોકગીતની તાલીમ, ભાવભાવના, તાલમેલ અને મંચ પરની રજૂઆત માટે સતત માર્ગદર્શન આપ્યું હતું.
શાળાના આચાર્ય વિનોદ જેઠવાએ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, “મેઘાણી હાઈસ્કૂલ હંમેશા શૈક્ષણિક ગુણવત્તા સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ આગળ રહી છે. આ વિજય આગામી પેઢીને પણ પ્રેરણા આપશે.”
બગસરાની આ સિદ્ધિએ સાબિત કર્યું છે કે ગ્રામ્ય વિસ્તારોની શાળાઓ પણ પ્રતિભા અને મહેનતથી રાષ્ટ્રીય સ્તરે પોતાની છાપ છોડી શકે છે. હવે સમગ્ર જિલ્લાની નજર દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય યુવા ઉત્સવ પર મંડાઈ છે, જ્યાં મેઘાણી હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ ગુજરાતની લોકસંસ્કૃતિને દેશભરમાં ગુંજાવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai