
પાટણ, 06 જાન્યુઆરી (હિ.સ.) પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં શેરબજારમાં વધુ નફાની લાલચ આપીને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ ગુનાનો ભોગ પાટણ જિલ્લાના રાધનપુરમાં રહેતા અને ગંજ બજારમાં વેપાર કરતા વિકાસ સુરેશભાઈ ઠક્કર બન્યા છે.
ફરિયાદ મુજબ 07/11/2025ના રોજ વિકાસ ઠક્કરને વિવેક શર્મા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે શેર માર્કેટ ટ્રેડિંગમાં મોટો નફો કરાવવાની વાત કરી શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે રૂ. 5,000 UPI દ્વારા ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં ‘WEALTH SECURITY’ નામની એપ ડાઉનલોડ કરાવી ઓછી દલાલીનો લાલચ આપ્યો હતો.
આ છેતરપિંડીમાં વિવેક શર્મા સાથે રજત અને વાસુભાઈ પટેલ પણ સામેલ હતા. તેમની વાતોમાં આવીને ફરિયાદીએ 08/11/2025ના રોજ રૂ. 1,00,000, 10/11/2025ના રોજ રૂ. 8,00,000 અને 12/11/2025ના રોજ રૂ. 2,31,000 એમ કુલ રૂ. 10,31,000 અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા.
વિશ્વાસ વધારવા માટે વાસુ પટેલે રૂ. 2,00,000 રોકડા મોકલ્યા હતા, પરંતુ બાદમાં એપ્લિકેશનનો આઈડી અને પાસવર્ડ બદલાઈ જતા ફરિયાદીને છેતરપિંડીની જાણ થઈ. ત્યારબાદ તેમણે 1930 સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ કરી. પાટણ સાયબર પોલીસે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ