
અમરેલી,, 06 જાન્યુઆરી (હિ.સ.) “શીખ સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન” થીમ સાથે ટ્રાફિક પોલીસ અને RTOનો સંયુક્ત કાર્યક્રમ
અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ તથા અમરેલી આર.ટી.ઓ. દ્વારા માર્ગ સલામતી માસ 2026ની ઉજવણી “શીખ સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન” થીમ પર કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અમરેલીના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો, જેમાં માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, મર્યાદિત ઝડપે વાહન ચલાવવું તેમજ અકસ્માત નિવારણ માટેની તકેદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે આધુનિક ટેક્નોલોજી દ્વારા માર્ગ સલામતી કેવી રીતે વધારી શકાય તે અંગે પણ માહિતગાર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને આરટીઓ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે દરેક નાગરિકની જવાબદારી મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.
માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલી આ ઉજવણીમાં વાહનચાલકો, વેપારીઓ તથા સામાન્ય નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. માર્ગ સલામતી માસ અંતર્ગત અમરેલી જિલ્લામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજી લોકોને સુરક્ષિત અને જવાબદાર વાહન વ્યવહાર માટે પ્રેરિત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai