
સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી માટે કડક સ્વચ્છતા ધોરણો અમલમાં
મહેસાણા,06 જાન્યુઆરી (હિ.સ.)સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે મહેસાણા રેલવે સ્ટેશન પર વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ રેલવે પરિસરમાં સ્વચ્છતા જાળવી મુસાફરોને સ્વચ્છ, સુરક્ષિત તથા સુવિધાજનક વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો રહ્યો હતો.
સફાઈ અભિયાન દરમિયાન સ્ટેશનના પ્લેટફોર્મ, પ્રતીક્ષા કક્ષ, પ્રવેશ-નિર્ગમ માર્ગ, શૌચાલય તેમજ આસપાસના વિસ્તારોમાં વ્યાપક સફાઈ કામગીરી કરવામાં આવી હતી. કચરો દૂર કરવો, ડસ્ટબિનનો યોગ્ય ઉપયોગ, ગંદકી દૂર કરવી અને સ્વચ્છતા ધોરણોનું કડક પાલન થાય તે માટે રેલવે કર્મચારીઓ દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી હતી. આ સાથે મુસાફરોને પણ સ્વચ્છતા જાળવવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
ભારતીય રેલવે દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, રેલવે પરિસરમાં ગંદકી ફેલાવવાના કિસ્સામાં ₹500 સુધીનો દંડ લાગુ કરી શકાય છે. આ પગલું સ્વચ્છતા પ્રત્યે જવાબદારી વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત મુસાફરોને અપીલ કરવામાં આવી હતી કે જાહેર સ્થળોએ કચરો ન ફેંકે, ડસ્ટબિનનો ઉપયોગ કરે અને સ્વચ્છ રેલવે પરિસર જાળવવામાં સહયોગ આપે.
ચાલો, સૌ મળીને સ્વચ્છતા અપનાવીએ અને સ્વચ્છ રેલ – સ્વચ્છ ભારતનો સંકલ્પ લઈએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR