
અમરેલી,, 06 જાન્યુઆરી (હિ.સ.) ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોંઘી અને આધુનિક સારવાર આજે પણ અનેક લોકો માટે અપ્રાપ્ય છે, ત્યાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકોના હેતની હવેલી ખાતે યોજાયેલ મેગા મેડિકલ કેમ્પ માનવતાની જીવંત મિસાલ બની રહ્યો છે. ધોળકા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ચાર દિવસીય કેમ્પમાં દેશ-વિદેશના નિષ્ણાત તબીબો દ્વારા કેન્સર સહિતના ગંભીર રોગોની સંપૂર્ણ નિઃશુલ્ક તપાસ અને સારવાર આપવામાં આવી રહી છે.
અમરેલી: આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને માનવતાપૂર્ણ પહેલ રૂપે લાઠી તાલુકાના હેતની હવેલી ખાતે મેગા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોના લોકોને ઉચ્ચ ગુણવત્તાની તબીબી સેવાઓ તેમના દ્વાર સુધી પહોંચાડવાનો છે. ખાસ કરીને કેન્સર જેવા જીવલેણ રોગોના પ્રારંભિક નિદાન પર કેમ્પમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી સમયસર સારવારથી દર્દીઓનું જીવન બચાવી શકાય.
કેમ્પના આયોજન અંગે માહિતી આપતા સવજીભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, ચાર દિવસીય આ મેગા કેમ્પમાં 200થી વધુ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સતત સેવારત છે. દર્દીઓની સંપૂર્ણ તપાસ, સ્ક્રીનિંગ, નિદાન અને સારવાર એક જ સ્થળે વ્યવસ્થિત રીતે કરવામાં આવી રહી છે. કેમ્પમાં સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, મોઢા, માથા અને ગરદનનો કેન્સર તેમજ ફેફસાના કેન્સર જેવી ગંભીર બીમારીઓનું આધુનિક પદ્ધતિથી નિદાન કરવામાં આવે છે.
આ ઉપરાંત દાંતની તપાસ અને સારવાર, સાંભળવાની ક્ષમતાની ચકાસણી, આંખોની સંપૂર્ણ તપાસ તેમજ જરૂરી ચશ્માં અને સારવારની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કેમ્પની એક વિશેષ સુવિધા તરીકે “ફાર્મસી ઓન વિહીલ્સ” કાર્યરત છે, જેના માધ્યમથી દર્દીઓને જરૂરી દવાઓ તરત જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ મેગા મેડિકલ કેમ્પની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં કરવામાં આવતી તમામ સ્ક્રીનિંગ ટેસ્ટ, લેબોરેટરી તપાસ, સારવાર, દવાઓ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને કૃત્રિમ અંગો પણ 100 ટકા મફતમાં આપવામાં આવે છે. આ કારણે આસપાસના અનેક ગામડાંઓમાંથી મોટી સંખ્યામાં લોકો સારવાર માટે પહોંચી રહ્યા છે.
હેતની હવેલી ખાતે યોજાયેલ આ મેગા મેડિકલ કેમ્પ માત્ર સારવાર પૂરતો સીમિત ન રહી, પરંતુ આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ પણ બની રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાનો અભાવ દૂર કરવા અને ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો માટે આશાનો દીવો પ્રગટાવતો આ કેમ્પ નિશ્ચિત રીતે પ્રશંસનીય અને અનુસરણયોગ્ય પહેલ સાબિત થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai