
પાટણ, 06 જાન્યુઆરી (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) પાટણ સંલગ્ન કોલેજોમાં સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર-1ની પરીક્ષાઓ ચાલી રહી છે. પરીક્ષાઓ દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલાઈઝ્ડ ઓબ્ઝર્વેશન સિસ્ટમ હેઠળ વિશેષ સ્ક્વોડ તૈનાત કરવામાં આવી છે.
સ્ક્વોડની સક્રિય કામગીરીના કારણે 1 જાન્યુઆરીથી સોમવાર સુધીમાં કુલ 192 કોપી કેસ નોંધાયા છે, જેમાં મહેસાણા જિલ્લામાં સૌથી વધુ 150થી વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત, પરીક્ષા દરમિયાન ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે અને પકડાયેલા વિદ્યાર્થીઓ સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.
નોંધાયેલા કેસોમાં ડીસાની એક કોલેજમાં વિદ્યાર્થી આઈફોન મોબાઈલથી ચોરી કરતો ઝડપાયો હતો, જ્યારે અન્ય જિલ્લામાં સ્માર્ટ વોચનો ઉપયોગ કરીને પરીક્ષા આપતો વિદ્યાર્થી પણ પકડાયો હતો. યુનિવર્સિટી સંલગ્ન છ જિલ્લાની આશરે 180 પરીક્ષા કેન્દ્રોમાં 90 હજારથી એક લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ