
રાજપીપલા,06 જાન્યુઆરી (હિ.સ.) નર્મદા જિલ્લા બાગાયત વિભાગ તથા આત્મા પ્રોજેક્ટના સંયુક્ત આયોજન હેઠળ દેડિયાપાડા તાલુકાના પાનુડા ગામે મહિલા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજર સંદીપ રાઠવા, તાલુકા પ્રોજેક્ટ મેનેજર દિગંત ચૌધરી તેમજ કૃષિ સખી/CRP દ્વારા ખેડૂતોને રવિ પાકોની પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગે મહિલાઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન હળદર, તુવેર, શેરડી, સરગવો, ડુંગળી, લસણ, જુવાર તથા આંબા જેવા પાકોમાં પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી, ખેતી ખર્ચમાં ઘટાડો કરી ઉત્પાદન વધારવાના ઉપાયો તેમજ જમીનની ઉર્વરતા જાળવવાના વિવિધ પાસાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
તાલીમ પૂર્ણ થયા બાદ પ્રગતિશીલ મહિલા ખેડૂત શર્મિલાબેનના મોડેલ ફાર્મની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં તેમની ખેતી પદ્ધતિ, પાક સંભાળ તથા પ્રાકૃતિક ખેતીના અનુભવો અંગે મહિલા ખેડૂતોને પ્રેરણાત્મક માહિતી આપવામાં આવી હતી.
આ તાલીમ કાર્યક્રમથી મહિલા ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ વધીને ટકાઉ અને પર્યાવરણમિત્ર ખેતી તરફ આગળ વધવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો ઉપસ્થિત રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ