સાવરકુંડલા પીઠવડીના ખેડૂત વિનુભાઈ બાળધા એ રતાળુની ખેતીથી કરી લાખોની કમાણી, જંગલી પશુઓથી પણ સુરક્ષિત પાક
અમરેલી, 06 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લામાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને નવનવી અને વૈકલ્પિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ખર્ચ ઓછો, જોખમ ઓછું અને નફો વધુ મળે તેવી ખેતી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે. આવી જ એક પ્રેરણાદાયી કહાની અમરેલી જિલ્લાના
સાવરકુંડલા પીઠવડીના ખેડૂત વિનુભાઈ બાળધા એ રતાળુની ખેતીથી કરી લાખોની કમાણી, જંગલી પશુઓથી પણ સુરક્ષિત પાક


અમરેલી, 06 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લામાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને નવનવી અને વૈકલ્પિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ખર્ચ ઓછો, જોખમ ઓછું અને નફો વધુ મળે તેવી ખેતી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે. આવી જ એક પ્રેરણાદાયી કહાની અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામના ખેડૂત વિનુભાઈ બાળધાની છે, જેમણે રતાળુની ખેતી કરીને ઉત્તમ સફળતા મેળવી છે.

વિનુભાઈ બાળધાએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને ખેતીને જ પોતાનું મુખ્ય વ્યવસાય બનાવ્યું છે. પરંપરાગત પાકોમાં ખર્ચ વધતો અને આવક અનિશ્ચિત રહેતી હોવાથી તેમણે કંઈક અલગ વિચાર કર્યો. ગયા વર્ષે પ્રયોગરૂપે રતાળુની ખેતી શરૂ કરી અને પ્રથમ જ વર્ષે તેમને સારો પ્રતિસાદ મળ્યો. સફળતા મળતાં આ વર્ષે પણ તેમણે 5 વીઘામાં રતાળુનું વાવેતર કર્યું છે અને હાલ ઉત્પાદન પણ ખૂબ સારું મળી રહ્યું છે.

રતાળુની ખેતીનું સૌથી મોટું ફાયદો એ છે કે આ પાકને જંગલી પશુઓથી મોટું નુકસાન થતું નથી. વિનુભાઈ જણાવે છે કે આ પાકને ન તો જંગલી ભૂંડ ખાઈ શકે છે અને ન તો નીલગાય નુકસાન પહોંચાડી શકે છે. તેથી પાકની રક્ષા માટે વધારાનો ખર્ચ કરવો પડતો નથી. આ કારણસર રતાળુને “જંગલી પાક” તરીકે પણ ઓળખવામાં આવે છે.

ખેતી ખર્ચ વિશે વાત કરતાં વિનુભાઈ જણાવે છે કે એક વીઘામાં અંદાજે ₹50,000 જેટલો ખર્ચ થાય છે. જ્યારે ઉત્પાદન તરફ નજર કરીએ તો એક વીઘામાંથી ₹1,50,000 થી ₹1,70,000 સુધીની આવક મળી જાય છે. એટલે કે ખર્ચ ઘટાડ્યા બાદ પણ ખેડૂતને નોંધપાત્ર નફો મળે છે. બજારમાં રતાળુની માંગ સતત રહેતી હોવાથી ભાવ પણ સારા મળે છે.

રતાળુની ખેતીમાં પાણીની જરૂરિયાત પણ મર્યાદિત હોય છે અને જમીન પર ખાસ ભાર પડતો નથી. આ પાક ઓછા સમયમાં તૈયાર થતો હોવાથી ખેડૂતને ઝડપી આવક મળે છે. સાથે સાથે ખેતીમાં જોખમ પણ ઓછું રહે છે, જે આજના સમયમાં ખૂબ મહત્વનું છે.

વિનુભાઈ બાળધાની સફળતા જોઈને આસપાસના ખેડૂતો પણ હવે રતાળુ જેવી વૈકલ્પિક ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે. તેઓ કહે છે કે જો યોગ્ય માર્ગદર્શન અને મહેનત કરવામાં આવે તો રતાળુની ખેતી નાના અને મધ્યમ ખેડૂતો માટે ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે.

અમરેલી જિલ્લાના ખેડૂતો માટે વિનુભાઈની આ સફળતા એક નવી દિશા સૂચવે છે. પરંપરાગત ખેતીની સાથે જો નવી અને બજારલક્ષી ખેતી અપનાવવામાં આવે તો ખેડૂતો પોતાની આવકમાં નોંધપાત્ર વધારો કરી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande