
ગાંધીનગર,06 જાન્યુઆરી (હિ.સ.) ગાંધીનગર ગિફ્ટ સિટી પાછળના ભાગમાં બાળક બોરવેલમાં પડી જતાં મોટી દુર્ઘટના બની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જોકે આ મામલે ફાયર વિભાગના જવાનોએ ત્વરિત બચાવ કામગીરી હાથ ધરી બાળકને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ફાયર સ્ટેશન પાછળ ગટરમાં પડી જતા પાંચ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે.
આજે બપોરના સમયે ગાંધીનગરના ગિફ્ટ સિટી પાછળના વિસ્તારમાં રતનપુર ગામની લેબર કોલોનીમાં શ્રમિક પરિવારનું 5 વર્ષિય બાળક રેયાંશ રમી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. બાળક ગટરમાં પડતાં જ આસપાસના લોકોમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવતા કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બાળકને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
ફાયર જવાનોએ તાત્કાલિક ગટરમાં ઉતરી બાળકને બહાર કાઢ્યું હતું અને ત્યાર બાદ 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. આ દરમિયાન 108ના ડોક્ટર દ્વારા પ્રિઆંશને તાત્કાલિક સીપીઆર આપ્યું હતું. જોકે, પ્રિઆંશને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
આ અંગે ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ મથકના પીઆઈ જી.કે ભરવાડે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી ફાયર સ્ટેશનની પાછળ રતનપુર ગામની લેબર કોલોનીમાં એક ખુલ્લી ગટરમાં પાંચ વર્ષનું બાળક રમતા રમતા પડી ગયું હતું. જેને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢીને 108 મારફતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યું હતું.
ગિફ્ટ સિટીના ફાયર ઓફિસર અમર પાંડે કહ્યું કે, ગિફ્ટ સિટીને અડીને આવેલા રતનપુર ગામમાં અલગ અલગ લેબર કોલોની આવેલી છે. આ વિસ્તાર ગિફ્ટ સિટીની હદ બહારનો છે. વાસ્તવમાં અહીં જે મજૂરો કામ કરતા હોય છે તેઓ ગિફ્ટ સિટી વાળા રસ્તેથી આવત-જતા હોય છે. આ બનાવની જાણ થતા અમારી ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ