આજીરા ગામ બન્યું સીસીટીવીથી સુરક્ષિત, ચોરવડીયા પરિવારના સહયોગથી 29 કેમેરા સ્થાપિત
અમરેલી,07 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું આજીરા (જીરા) ગામ ગ્રામ્ય સુરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ અને અનોખું ઉદાહરણ બન્યું છે. ગામના દાતાઓના સહયોગથી સમગ્ર ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે, જેથી હવે ગામમાં ચોર
આજીરા ગામ બન્યું સીસીટીવીથી સુરક્ષિત, ચોરવડીયા પરિવારના સહયોગથી ૨૯ કેમેરા સ્થાપિત


અમરેલી,07 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું આજીરા (જીરા) ગામ ગ્રામ્ય સુરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ અને અનોખું ઉદાહરણ બન્યું છે. ગામના દાતાઓના સહયોગથી સમગ્ર ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે, જેથી હવે ગામમાં ચોરી, અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ અન્ય અણબનાવોને અટકાવવામાં મોટી મદદ મળી રહી છે. ખાસ કરીને ચોરવડીયા પરિવાર દ્વારા ચાર લાખ રૂપિયાના ખર્ચે આ સમગ્ર સીસીટીવી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.

આ બાબતે ગામના દક્ષાબેન 14 વડીયા એ જણાવ્યું હતું કે તેઓ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આજીરા ગામે રહે છે અને પોતાના પરિવાર દ્વારા ગામની સલામતી માટે આ પહેલ કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, ગામની અંદર તેમજ ગામના મુખ્ય પ્રવેશદ્વારો અને તમામ રોડ-રસ્તાઓ ઉપર કુલ 29 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા 24 કલાક કાર્યરત રહે છે અને સતત નજર રાખે છે, જેથી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ તરત જ નોંધાઈ શકે.

દક્ષાબેન વડીયાએ વધુમાં કહ્યું હતું કે આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં તેમજ પોતાના ગામમાં અગાઉ ચોરીના બનાવો અને અન્ય અણબનાવો બનતા હતા. આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગામને સીસીટીવીથી કવર કરવાનો નિર્ણય લેવાયો હતો. સીસીટીવી કેમેરા લાગ્યા બાદ હવે આવા બનાવોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કોઈ ઘટના બને તો તેની તપાસમાં કેમેરા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

આજીરા ગામમાં લગાવવામાં આવેલા તમામ કેમેરાનું મોનિટરિંગ સરપંચના નિવાસસ્થાનેથી કરવામાં આવે છે. ત્યાંથી સતત નજર રાખવામાં આવે છે અને જરૂર પડે ત્યારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. સીસીટીવી લાગ્યા પછી ગામમાં થયેલા અનેક ચોરીના કેસો તેમજ અન્ય પ્રશ્નોના ઉકેલ પણ આવ્યા છે, જે ગ્રામજનો માટે આશ્વાસનરૂપ છે.

ગામના લોકો માને છે કે સીસીટીવી કેમેરા માત્ર ગુનાખોરી રોકવા માટે જ નહીં, પરંતુ શાંતિ અને સલામતીની ભાવના ઊભી કરવા માટે પણ મહત્વપૂર્ણ છે. બાળકો, મહિલાઓ અને વડીલો હવે વધુ સુરક્ષિત અનુભવે છે. રાત્રિના સમયે પણ ગામમાં નિર્ભય વાતાવરણ જોવા મળે છે.

આજીરા ગામની આ પહેલ અન્ય ગ્રામ પંચાયતો અને ગામો માટે પ્રેરણારૂપ બની છે. ખાનગી દાન અને સામૂહિક સહયોગથી પણ ગામની સુરક્ષા માટે મોટા પગલાં ભરી શકાય છે તે આ ઉદાહરણથી સાબિત થયું છે. હાલ આજીરા ગામ સંપૂર્ણ રીતે કેમેરાની નજર હેઠળ છે અને ગ્રામ્ય સુરક્ષાના ક્ષેત્રમાં એક મોડેલ ગામ તરીકે ઓળખાઈ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande