
પોરબંદર, 07 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ મંદિર માટે વર્ષ 2026 મહત્ત્વપૂર્ણ છે. આ મહાન મંદિર પર થયેલા પ્રથમ હુમલાને 1,000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
8 જાન્યુઆરી 1026 માં જ ગઝનીના મહમુદે આ મંદિર પર હુમલો કર્યો હતો, જેણે હિંસક અને બર્બર આક્રમણ દ્વારા શ્રદ્ધા અને સભ્યતાના મહાન પ્રતીકને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, એક હજાર વર્ષ પછી
પણ, સોમનાથને તેની ભવ્યતામાં પુનઃસ્થાપિત કરવાના અસંખ્ય પ્રયાસોને કારણે મંદિર આજે પણ એટલું જ ભવ્ય છે. સોમનાથ મંદિર ઉપર હુમલાના આ 1,000 વર્ષ પૂર્ણ થયા હોય તે અનુલક્ષી ને પ્રદેશ ભાજપ ની સૂચના અનુસાર પોરબંદર ભાજપ દ્વારા એમ.જી. રોડ, સત્યનારાયણ મંદિર પાસે આવેલ ભાવેશ્વર મંદિરે 72 કલાક ની ધૂન” નું આયોજન તા. 8-1-2026 ગુરુવાર ના રોજ સાંજે 5 વાગ્યા થી કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા ભાજપના સર્વે હોદેદારો, કાર્યકરો સહિત જાહેર જનતાને જોડાવવા પોરબંદર ભાજપ પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
સોમનાથ મંદિર પર 1000વર્ષથી વારંવાર હુમલાઓ બાદ તેના રક્ષણ માટે આપણા પૂર્વજોએ બલિદાન આપેલ છે અને પેઢી દર પેઢી આપણી મહાન સંસ્કૃતિના લોકોએ મક્કમતાથી વારંવાર મંદિરનું પુનઃનિર્માણ કરી પુનઃજીવિત કર્યું છે. સ્વતંત્રતા પછી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા વર્ષ 1947 માં દિવાળીના સમયે મંદિરના પુનઃનિર્માણની જાહેરાત કરી અને વર્ષ 1951માં તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ભવ્ય સોમનાથ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાયું. જેના આ વર્ષે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 અંતર્ગત આ ધૂન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya