

ગાંધીનગર, 07 જાન્યુઆરી (હિ.સ.) : અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ૪૧માં જન્મદિવસની ઉજવણીનો પ્રારંભ એક ઉમદા અને માનવીય અભિગમ સાથે કરવામાં આવ્યો છે. આ ઉજવણી અંતર્ગત અંગદાન અંગે લોકજાગૃતિ કેળવવા ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિદ્યાર્થીઓને 'અંગદાન મહાદાન' અંકિત ૫,૪૪૧ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અંગદાન અંગે લોકજાગૃતિ કેળવવાની દિલીપભાઈ દેશમુખ અને તેમની ટીમની આ સરાહનીય પહેલની નાયબ મુખ્યમંત્રીએ પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા દૂર કરી, વધુમાં વધુ લોકો અંગદાનના શપથ લે તે માટે પ્રોત્સાહિત કરવાનો છે.
જન્મદિવસને વ્યક્તિગત હરખ નહીં પરંતુ સામાજિક જવાબદારી ગણાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જન્મદિવસની ઉજવણીની શરૂઆત સેવા યજ્ઞથી કરી છે. સાથે જ તેમણે નર્સીંગના વિદ્યાર્થીઓને અંગદાન જેવા ઉમદા કાર્યમાં સહભાગી થવા બદલ અભિનંદન પણ પાઠવ્યાં હતા.
અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખે જણાવ્યું હતું કે, આજે વિતરણ કરવામાં આવેલા પતંગો માત્ર આકાશમાં ઊડવા માટે નથી, પરંતુ નાગરિકોમાં અંગદાન પ્રત્યેની જાગૃતિનો સંદેશ પહોંચાડવા માટે છે. જ્યારે કોઈ નાગરીક બ્રેઈન ડેડ જાહેર થાય ત્યારે પરિવાર હિંમત રાખી અંગદાનનો નિર્ણય લે, તો તે સ્વજન અન્ય ૮ વ્યક્તિઓના રૂપમાં જીવંત રહી શકે છે. નાગરિકોમાં આ સમજણ કેળવાય તે દિશામાં અમારી સંસ્થા કામ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ