
અમરેલી,07 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાતી સંસ્કૃતિમાં ‘દાન’ને મહત્ત્વનું સ્થાન છે અને તેમાં પણ ‘શિક્ષણ દાન’ને સર્વોપરી માનવામાં આવે છે. શિક્ષણ દ્વારા સમાજના ભવિષ્યનું નિર્માણ થતું હોવાથી, જે વ્યક્તિ શિક્ષણના વિકાસ માટે યોગદાન આપે છે તે સાચા અર્થમાં સમાજનો માર્ગદર્શક બને છે. આવી જ એક પ્રેરણાદાયી ઘટના અમરેલી જિલ્લાના ધારી શહેરમાં સામે આવી છે.
ધારીના ભામાશા અને મૂળ ધારીના વતની રમેશ દામાણી દ્વારા શહેરની મધ્યમાં આવેલી પ્રાથમિક શાળાને અતિઆધુનિક બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ હેતુસર શાળા નિર્માણ માટે સ્થળ પર જ વિધિવત ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ, શાળા પરિવાર તથા નાગરિકોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી.
નવી નિર્માણ પામનાર શાળા આધુનિક સુવિધાઓથી સજ્જ રહેશે, જેમાં વિશાળ વર્ગખંડો, સ્વચ્છ પીવાનું પાણી, શૌચાલય, લાઇબ્રેરી તેમજ બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. આ શાળા દ્વારા ધારી શહેર તેમજ આસપાસના વિસ્તારના બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મેળવવાની ઉત્તમ તક મળશે.રમેશ દામાણીનું આ શિક્ષણ દાન સમાજ માટે પ્રેરણારૂપ બનશે અને આવનારી પેઢીને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai