
પાટણ, 07 જાન્યુઆરી (હિ.સ.) પાટણ જિલ્લામાં રવિ સીઝનમાં 25,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં રાયડાનું વાવેતર કરવામાં આવ્યું છે. અગાઉ ભારે વરસાદ અને કમોસમી માવઠા બાદ ખેડૂતોને રાયડાના પાકથી આશા હતી, પરંતુ હવે પાક તૈયાર થવાના તબક્કે મોલો-મચ્છીનો ઉપદ્રવ વધતા ચિંતા વધી છે.
વાદળછાયું વાતાવરણ, વહેલી સવારની ઝાકળ અને ઓછી ઠંડીને કારણે મોલો-મચ્છી ઝડપથી ફેલાઈ છે. આ જીવાત છોડની સેંગોને નુકસાન પહોંચાડે છે, જેના કારણે ઉત્પાદન ઘટવાની ભીતિ છે. જિલ્લામાં સરસ્વતી, પાટણ, ચાણસ્મા સહિતના તાલુકાઓમાં વધુ અસર જોવા મળી રહી છે.
ખેડૂતોએ બિયારણ, ખાતર અને ખેડ પાછળ વીઘા દીઠ ₹15,000 થી ₹20,000 જેટલો ખર્ચ કર્યો છે. જીવાત નિયંત્રણ માટે ફરીથી મોંઘી દવાઓનો છંટકાવ કરવો પડતા ખેતી ખર્ચ વધ્યો છે. બદલાતા હવામાનને કારણે પૂરતું ઉત્પાદન મળશે કે કેમ તે અંગે ખેડૂતો ચિંતિત છે.
ખેતીવાડી અધિકારી જીગ્નેશ પટેલે જણાવ્યું કે ગરમીના કારણે મોલો-મચ્છીનો સામાન્ય ઉપદ્રવ છે અને ઠંડી વધતાં તે કુદરતી રીતે ઘટશે. વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ તથા યલો સ્ટીકી ટ્રેપ (40થી 50 ટ્રેપ પ્રતિ ખેતર) લગાવવાની તેમણે ખેડૂતોને સલાહ આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ