
પાટણ, 07 જાન્યુઆરી (હિ.સ.) : રાધનપુરની મસાલી રોડ પર આવેલી વલ્લભનગર પ્રાથમિક શાળાના શિક્ષક રમણ પરમારનું શાળા પ્રવાસ દરમિયાન અંબાજી ખાતે હાર્ટ એટેકથી દુઃખદ નિધન થયું છે. શાળાએ વિદ્યાર્થીઓ માટે અંબાજી દર્શનનો પ્રવાસ યોજ્યો હતો. દર્શન કરીને પરત ફરતી વખતે ગબ્બર પરથી નીચે ઉતરતા સમયે રમણભાઈ પરમાર અચાનક વિદ્યાર્થીઓની હાજરીમાં ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે અંબાજીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે શાળા પરિવાર, વલ્લભનગર પ્રાથમિક શાળા તેમજ સમગ્ર રાધનપુર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ