
જામનગર, 07 જાન્યુઆરી (હિ.સ.) :
જામનગર જિલ્લાના વિભાપર ગામે ગ્રામજનોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વધારો કરવાના હેતુથી નવીન સરકારી આયુર્વેદ દવાખાનાનું નિર્માણ થશે.જેનુંધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર, નિયામક આયુષની કચેરી તથા જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગર દ્વારા સંચાલિત આ દવાખાનું આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.
આ અંગે વિગતો આપતા જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.હિરેન ઠક્કરે જણાવ્યુ હતું કે, જિલ્લા આયોજન કચેરી, જામનગરના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ ૨૦૨૨-૨૩ અંતર્ગત ૧૫% વિવેકાધીન જોગવાઈ અન્વયે મંજૂર થયેલ રૂ૧૯.૯૪ લાખની ગ્રાન્ટ તથા વર્ષ ૨૦૨૫માં જિલ્લા પંચાયત, જામનગર સ્વભંડોળ દ્વારા મંજૂર કરવામાં આવેલ રૂ.૪.૦૪ લાખની ગ્રાન્ટ મળી કુલ રૂ. ૨૩.૯૮ લાખના ખર્ચે આ દવાખાનાનું નિર્માણ કરવામાં આવશે. જેના થકી આયુર્વેદિક ઉપચાર પદ્ધતિનો લાભ ગ્રામજનોને ઘર આંગણે જ મળતો થશે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, વિભાપર ગ્રામ પંચાયતના સરપંચ હેમંતભાઈ પાંભર અને ઉપસરપંચ અસ્મિતાબેન વકાતર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ તાલુકા પંચાયત અધ્યક્ષ કુરજીભાઈ પણસારા, માજી સરપંચ માવજીભાઈ મેંદપરા સહિત ગ્રામ પંચાયતના સદસ્યો, વહીવટી અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.
આ અવસરે જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.હિરેન ઠક્કર, વિભાપર આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર ડો. અંકિતા સોલંકી તથા ફાર્માસિસ્ટ શ્રેયાબેન જાની સહિત જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt