
- ટેક્નિકલ સેવાઓ હેઠળના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગમાં વર્ગ-3 સંવર્ગની 950 જગ્યા ખાલી
- વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની અલગ અલગ પોસ્ટ માટે 9 જાન્યુઆરીથી અરજી કરી શકાશે
ગાંધીનગર,07 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાતનાં યુવાનો માટે ફરી ખુશખબર આવ્યા છે. ગુજરાત સરકારે પોલીસમાં ફરી ભરતી માટે સત્તાવાર જાહેરાત કરી છે.ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેક્નિકલ સેવાઓ હેઠળના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગમાં વર્ગ-3 સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીપ્રક્રિયા દ્વારા કુલ 950 જેટલી ટેક્નિકલ જગ્યાઓ ભરવામાં આવશે, જેના માટે લાયક ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવી છે.
આ જગ્યાઓ માટે એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીના વિવિધ પ્રવાહો, જેવા કે ઇલેક્ટ્રોનિક્સ, કોમ્યુનિકેશન, આઇટી, કોમ્પ્યુટર સાયન્સ, ઓટોમોબાઈલ અને મિકેનિકલની પદવી કે ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. એ માટે ઓનલાઈન અરજીઓ 9 જાન્યુઆરી,2026 બપોરે 14 કલાકથી 29 જાન્યુઆરી,2026 રાત્રિના 23.59કલાક સુધી સ્વીકારવામાં આવશે.
ગુજરાત પોલીસમાં PSI અને LRDની કુલ 13,591 જગ્યાની ભરતી માટે શારીરિક કસોટી આગામી 21 જાન્યુઆરી 2026થી શરૂ થવાની છે, જોકે શારીરિક કસોટી માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા અંગેની વિગત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે એમ ભરતી બોર્ડ દ્વારા જાણાવાયું છે. PSI અને લોકરક્ષક કેડર માટે 13,591 જગ્યા માટે યોજાયેલી આ ભરતીમાં રાજ્યભરમાંથી 14,28,546 ઉમેદવારે અરજી કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ