
અમદાવાદ,07 જાન્યુઆરી (હિ.સ.) દર વર્ષે ઉત્તરાયણ એટલે જીવદયા પ્રેમીઓ નિર્દોષ પક્ષી, પશુ કે માનવી માટે જીવલેણ ન બને એ માટેની જાગૃતતા માટે પ્રયાસ કરતાં હોય છે પરંતુ આ વર્ષે કેવળ જીવદયા પ્રેમીઓની જવાબદારી ન બનતા હવે સમાજ સાથે સાથે શાળાઓએ પણ સંભાળી છે.અમદાવાદના અંદાજિત પાંચ લાખ વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞા લેશે કે હું પ્રતિજ્ઞા લવ છું કે.'' આગામી મકરસંક્રાંતિના પર્વે હું સવારના વહેલા અને સાંજના મોડા સમયે પતંગ નહિ ચગાવુ, જેથી નિર્દોષ પક્ષીઓ ઘાયલ ન થાય.
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી ન વાપરવા શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. ઉત્તરાયણ પૂરી થયા બાદ રસ્તા પર પડેલા દોરીના ગુચડાઓ અને કચરો સાફ કરવા કેમ જરૂરી છે તે વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવવાનું આયોજન કરવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળા સંચાલકો અને આચાર્યોને પત્ર લખી સૂચના આપી છે. DEO સૂચનાના આધારે આજે તમામ શાળાઓમાં અંદાજિત પાંચ લાખ વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞા લેશે.
ઉત્તરાયણનો તહેવાર એટલે રંગબેરંગી પતંગો, ખુશીઓ અને ઉત્સાહનો તહેવાર સાથે સથે તમામ લોકોનો પ્રિય તહેવાર હોય છે. તેમાં પણ બાળકો ઉત્તરાયણના તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે હવે ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેથી ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચાઈનીઝ માંઝા, તુક્કલ નો ઉપયોગ મનુષ્યો, પશુઓ અને પક્ષીઓ માટે ખૂબ જ ઘાતક અને જીવલેણ સાબિત થતો હોય છે. ચાઈનીઝ દોરીના કારણે રાજ્યભરમાં અનેક લોકોના મોત પણ ઉત્તરાયણના તહેવાર દરમિયાન થતા હોય છે. જેથી સરકાર દ્વારા પણ ચાઈનીઝ દોરીના વેચાણ પર અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
જેથી અમદાવાદ શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરે તે માટેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન પક્ષીઓ ઇજાગ્રસ્ત ન થાય તે માટે શાળાઓના વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. તેમજ શાળાના તમામ બાળકો અને વાલીઓને ચાઈનીઝ માંઝા અને તુક્કલના વપરાશના ભયસ્થાનો અને કાયદાકીય જોગવાઈઓથી વાકેફ કરાવવામાં આવશે. ચાઈનીઝ માંઝાનો ઉપયોગ ન કરવા તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞાનું વાંચન કરાવવામાં આવશે.
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, મકરસંક્રાંતિના ધાર્મિક તહેવારની ઉજવણી વર્ષોથી દુનિયાભરમાં પ્રસિદ્ધ હોવા સાથે પોતાની એક તહેવાર તરીકેની આગવી નામના પણ ધરાવે છે. દરેક ઉજવણીનું મહત્વ ધાર્મિક સિદ્ધાંતોથી વિસ્તૃત હોવા સાથે જીવન કલ્યાણનો આશય પણ એટલા જ ભાવથી તેમાં જોડાયેલો હોય છે. પરંતુ જ્યારે કોઈ ઉજવણી, પ્રસંગ, તહેવાર પોતાને પશુ પક્ષી કે પ્રકૃતિને જીવલેણ કે નુકસાન કરતા જાણે અજાણે આવી કોઈ દુર્ઘટના ન બને તે જોવું પણ આપણા સૌની નૈતિક ફરજ છે.
હું પ્રતિજ્ઞા લવ છું કે...'' આગામી મકરસંક્રાંતિના પર્વે હું સવારના વહેલા અને સાંજના મોડા સમયે પતંગ નહિ ચગાવુ, જેથી નિર્દોષ પક્ષીઓ ઘાયલ ન થાય. હું ક્યારેય ઘાતક ચાઈનીઝ દોરી કે કાચવાળા માંજાનો ઉપયોગ નહીં કરું, જે પક્ષીઓ અને મનુષ્ય માટે જોખમી છે. હું ધાબા પર પતંગ ચગાવતી વખતે હંમેશા સાવચેત રહીશ અને ક્યારેય રસ્તા પર પતંગ પકડવા પાછળ દોડીશ નહીં. ઉત્સવ પૂરો થયા પછી હું ધાબા પર કે રસ્તા પર પડેલા દોરીના ગુચડાઓ અને કચરો સાફ કરીશ, જેથી કોઈ પશુ પક્ષી તથા પ્રાણી તેમાં ફસાઈ ન જાય. જો મને કોઈ કાયલ પક્ષી દેખાશે તો હું તરત જ વડીલોને જણાવીશ અથવા ભક્તિ હેલ્પલાઇનનો સંપર્ક કરીશ. મારો આનંદ, કોઈ તો જીવ ન લે - એ જ મારી સાચી ઉત્તરાયણ ! આ પ્રકારની પ્રતિજ્ઞા અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ લેવાના છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ