
પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.) પાટણ જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં ભારે વરસાદના કારણે ચાર તાલુકાના ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરાવી ખેડૂતોને પાક નુકસાનીની સહાય આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ ₹237 કરોડની સહાય આપવામાં આવી ચૂકી છે.
ભારે વરસાદને કારણે ખેડૂતોએ વાવેલા ઊભા પાકમાં પાણી ભરાઈ જતાં મોટાપાયે નુકસાન થયું. રાજ્ય સરકારે સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર ચાર તાલુકાઓમાં સર્વે કરાવ્યો હતો. સર્વેમાં 1.38 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી પાકને નુકસાન થયું હોવાનું બહાર આવ્યું.
કેન્દ્ર અને રાજ્ય સરકારની પાક સહાય યોજના હેઠળ કુલ 65,015 ખેડૂતોએ પાક નુકસાની માટે અરજી કરી હતી. જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 63,312 ખેડૂતોના બેંક ખાતામાં સીધી સહાય જમા કરી દેવામાં આવી છે. જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું કે બાકી રહેલા ખેડૂતોએ પણ સહાય મેળવવા માટે પ્રક્રિયા ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ