
જામનગર, 08 જાન્યુઆરી (હિ.સ.) : દેશના વડાપ્રધાન રવિવારે સોમનાથ આવી રહ્યા છે ત્યારે ત્યાં માનવ મેદની એકત્ર કરવા તંત્ર દ્વારા કવાયત ચાલી રહી છે. અને ગામે ગામથી એસટી બસો દોડાવવામાં આવનાર છે. જામનગર ડિવીઝનમાંથી પણ ૮૦ બસો ફાળવવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ આવી રહ્યા છે. આ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમની સભામાં માનવ મેદની એકત્ર કરવા પણ આયોજનો ચાલી રહ્યા છે. અને અનેક શહેરોમાંથી એસટીની બસો મારફત લોકોને સોમનાથ લઈ જવામાં આવનાર છે.
જામનગર એસટી ડિવિઝન પાસે બંને જિલ્લાઓ એટલે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૨૫૦ બસો છે. જેમાની ૮૦ બસો સોમનાથ માટે ફાળવી દેવામાં આવી છે. આ બસો જામનગરથી તા. ૧૦ના બપોરે રવાના થશે. અને તા. ૧૨ના સવારે પરત ફરશે.
એટલે કે તા. ૧૦ થી ૧૨ના જામનગરના મુસાફરોની હાલાકી વધશે. કારણ કે લગભગ ૩૨ થી ૩૩ ટકા બસોની ઉપલબ્ધી ઓછી રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt