
અમરેલી,, 08 જાન્યુઆરી (હિ.સ.)
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયા ગામ મુકામે ગ્રામ વિકાસ માટે મહત્વપૂર્ણ એવા વોટર વર્ક્સ પાણીના સંપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ. ૧૧,૧૨,૦૦,૦૦૦ (અગિયાર કરોડ બાર લાખ રૂપિયા)ના ખર્ચે તૈયાર થયેલા આ પાણીના સંપથી પીઠડીયા ગામના ગ્રામજનોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળવાની સુવિધા ઉપલબ્ધ બનશે.
આ લોકાર્પણ સમારોહમાં વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય જે.વી. કાકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, તાલુકા ભાજપ મહામંત્રી દેવરાજભાઈ રાંક, પ્રકાશભાઈ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય ચંદુભાઈ નાકરાણી, પીઠડીયા ગામના સરપંચશ્રી, ગ્રામપંચાયતના સભ્યો, ગ્રામજનો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત અન્ય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ જણાવ્યું હતું કે આ વોટર વર્ક્સ યોજના ગ્રામજનો માટે આરોગ્ય, સ્વચ્છતા અને જીવનસ્તર સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ખાસ કરીને ઉનાળાના સમયમાં પાણીની સમસ્યા દૂર થશે અને ખેતી તેમજ દૈનિક જરૂરિયાતોમાં પણ સુવિધા મળશે.
પીઠડીયા ગામે થયેલું આ લોકાર્પણ ગ્રામ વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, જેના કારણે આવનારા સમયમાં ગામના સર્વાંગી વિકાસને વધુ ગતિ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai