
અમદાવાદ,08 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ જર્મન ચાન્સેલરની ગુજરાત મુલાકાતને લઈને તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. વડાપ્રધાન અને જર્મન ચાન્સેલર અમદાવાદમાં 11 જાન્યુઆરીએ ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને 12 જાન્યુઆરીએ સાબરમતી રિવરફ્રન્ટ પર કાઈટ ફેસ્ટિવલની મુલાકાત લેવાના છે. બે દિવસની બંને મહાનુભાવોની મુલાકાતને લઈને આજથી તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે.
પોલીસ કમિશનર જી.એસ મલિક, સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર, જેસીપી એન.એન ચૌધરી, ડીસીપી ઝોન 1 હર્ષદ પટેલ, ડીસીપી ભાવના પટેલ સહિતના અધિકારીઓએ રિવરફ્રન્ટ, મેટ્રો સ્ટેશન, ગાંધી આશ્રમની મુલાકાત લઈ સુરક્ષા અંગેનું નિરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરના સંભવિત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીએ રાજકોટથી સીધા અમદાવાદ ખાતે આવશે. 11મીએ સાંજે વડાપ્રધાન ગાંધી આશ્રમની મુલાકાત લેશે. જર્મનના ચાન્સેલર પણ અમદાવાદ ખાતે આવશે જ્યાં વડાપ્રધાન તેમને આવકારવા જશે, જ્યાંથી બંને મહાનુભાવો ગાંધી આશ્રમની મુલાકાત લેશે. 12મી તારીખે સવારે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર કાઈટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. જે બાદ અમદાવાદના ઇન્કમટેક્સ પાસે આવેલા ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનથી મેટ્રો ટ્રેનમાં બેસીને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જશે.
વડાપ્રધાન અને જર્મનના ચાન્સેલરના અમદાવાદમાં બે દિવસના કાર્યક્રમને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ગાંધી આશ્રમ ખાતે તૈયારીઓ કરવામાં આવી રહી છે, તેમજ સાબરમતી રિવરફ્રન્ટના કાઈટ ફેસ્ટિવલ પર પણ તૈયારીઓ ચાલી રહી છે. આજે રાજ્યના ચીફ સેક્રેટરી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગાંધી આશ્રમ પ્રોજેક્ટના અધિકારીઓ સહિતના વહીવટી તંત્રના અધિકારીઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમ અંગેની સમીક્ષા તેમજ સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા કરી હતી.
12મી તારીખે સવારે કાઇટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન જર્મન ચાન્સેલર અને વડાપ્રધાન કરવાના છે. જેને લઇને પણ ત્યાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ