
પોરબંદર, 09 જાન્યુઆરી (હિ.સ.) : ખાગેશ્રી ગામે યુવાન અને તેની માતા ઉપર હુમલો થયો છે. જેમાં બંનેને કુતિયાણા સારવાર માટે લવાયા હતા અને બે ઇસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોરબંદરના ખાગેશ્રી ગામે મચ્છીમાર્કેટ પાસે રહેતા હરસુખ મેણંદ બલવા નામના 40 વર્ષના યુવાને એવી પોલીસફરિયાદ નોંધાવી છે કે તે તથા તેની પત્ની સવિતા અને માતા મેણીબેન ઘરે હાજર હતા ત્યારે તેમના ગામના ગ્રામપંચાયતના સભ્ય સુરેશ ગોવિંદ મકવાણાએ ઘરે આવીને એવું કહ્યુ હતુ કે તમે તમારા ઘરની બહાર પાણીની કુંડી બનાવી લેજો જેથી રસ્તામાંથી પાણી નીકળે નહી આથી ફરિયાદીએ કુંડી બનાવી લેવા માટે ખાત્રી આપી હતી હું તેથી સુરેશ જતો રહ્યો હતો.એ દરમ્યાન તેના પાડોશમાં રહેતા જીતુ હરદાસ સોંદરવા અને તેના પુત્ર ધવલે ત્યાં આવીને ‘કાલ સાંજ સુધીમાં આ પાણી નીકળે તે રસ્તામાં બંધ થઇ જવું જોઈએ નહી તો જોવા જેવી થશે' તેમ કહીને ફરીયાદીની માતા મેણીબેનને ગાળો આપવા લાગ્યા હતા. જેથી ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઇ ગયા હતા અને જીતુએ ધકકો મારતા માતા મેણીબેન નીચે પડી ગયા હતા. અને ત્યારબાદ હરસુખને જીતુ હરદાસ અને તેનો પુત્ર ધવલ ઢીકાપાટુનો માર મારવા લાગતા ફરીયાદીએ બુમાબુમ કરી હતી જેથી તેના પિતા અને પત્ની આવી ગયા હતા અને મારથી બચાવ્યો હતો. જતા જતા બંને બાપ-દીકરાએ એવી ધમકી આપી હતી કે, 'આજેતો તમે બચી ગયા પણ હવેજો પાણી નીકળશે તો મારી નાખશું' તેમ કહીને જતા રહ્યા હતા.
ફરીયાદીની માતા મેણીબેનને ધકકો લાગતા માથા અને કપાળના ભાગે ઇજા થઇ હતી તેથી 108 ને ફોન કરતા ફરીયાદી હરસુખ અને તેની માતાને કુતિયાણાના સરકારી દવાખાને સારવારમાં લવાયા હતા ત્યારબાદ પડોશીઓ સામે ગુન્હો દાખલ કરાવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya