


પોરબંદર, 09 જાન્યુઆરી (હિ.સ.) : સમગ્ર ભારતના ગૌરવ અને સ્વાભિમાન સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વના ઉપલક્ષમાં પોરબંદર શહેરના ઐતિહાસિક ભાવેશ્વર મંદિર ખાતે શિવભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં ગતરોજથી 72 કલાકના અખંડ ઓમકાર જાપ અને મંત્રોચ્ચારનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ આધ્યાત્મિક મહોત્સવમાં પોરબંદરના શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં ભક્તિમય થયા છે. મંજીરા, કરતાલ અને હાર્મોનિયમના સૂર સાથે ગુંજી રહેલા 'ૐ નમઃ શિવાય'ના નાદથી સમગ્ર મંદિર પરિસર શિવમય બની ગયું છે. શ્રદ્ધાળુઓ શિસ્તબદ્ધ રીતે સમૂહમાં બેસીને અવિરત મંત્રોચ્ચાર કરી રહ્યા છે, જેનો મુખ્ય હેતુ સોમનાથના ભવ્ય વારસાને ઉજાગર કરવાનો અને લોકકલ્યાણની ભાવના જગાડવાનો છે. ભક્તિરસથી તરબતર આ અખંડ જાપમાં મહિલાઓ અને વડીલો પણ મોટી સંખ્યામાં જોડાઈને આ પવિત્ર પર્વના સાક્ષી બની રહ્યા છે.
માત્ર પોરબંદર શહેર જ નહીં, પરંતુ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામ સ્થિત ઐતિહાસિક બિલનાથ મહાદેવ અને કુતિયાણા તાલુકાના ગોકરણ ગામના ગોકરણેશ્વર મહાદેવ ખાતે પણ સમાંતર રીતે અખંડ ઓમકાર જાપનું આયોજન કરાયું હતું. ગ્રામ્ય સંસ્કૃતિ અને ભક્તિરસના મિશ્રણ સાથે ભાવિકોએ એકસૂત્રે જોડાઈને સોમનાથના સ્વાભિમાનને વંદન કર્યા હતા.
આ કાર્યક્રમમાં માત્ર મંત્રોચ્ચાર જ નહીં, પરંતુ ભક્તોની આંખોમાં સોમનાથ પ્રત્યેનું ગૌરવ અને હૃદયમાં અતૂટ આસ્થાના દર્શન થતા હતા. 1000 વર્ષોના સંઘર્ષ અને શ્રદ્ધાની આ વિજયગાથાને યાદ કરી અનેક વડીલો ભાવવિભોર થયા હતા. સ્વયંસેવકો અને સ્થાનિક લોકો દ્વારા પણ સુંદર વ્યવસ્થા જાળવીને આ મહોત્સવને એક યાદગાર પ્રસંગ બનાવવામાં આવ્યો હતો. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમે પોરબંદર જિલ્લાના વાતાવરણને આધ્યાત્મિકતાના રંગે રંગી દીધું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya