
નવસારી, 09 જાન્યુઆરી (હિ.સ.): નવસારીમાં દાંતેજ પાસે ગઈ કાલે મોડી રાત્રે એક બિલ્ડર દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પહેલું ફાયરિંગ હવામાં કર્યા બાદ બીજા રાઉન્ડનું ફાયરિંગ કરવા જતાં ગોળી બિલ્ડરને જ વાગી જતાં તેઓને લોહી નિતરતી હાલતમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા ઘટના અંગે પ્રાથમિક તપાસ હાથ ધરતાં બિલ્ડર પોતાનાં અન્ય મિત્રો સાથે દારૂની મિજબાની માણ્યા બાદ પરત ફરી રહ્યો હતો અને આ દરમિયાન રૂપિયાની લેતી - દેતીમાં અન્ય મિત્રો સાથે ઝઘડો થતાં આ કાંડ સર્જાયું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં બિલ્ડરને સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે જ્યારે પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ગત મોડી રાત્રે નવસારીનાં દાંતેજ પાસે બિલ્ડર પ્રકાશ કથિરીયા પોતાનાં અન્ય બિલ્ડર મિત્રો પાસેથી પાર્ટી કરવા બેઠા હતા. આ દરમિયાન રૂપિયાની લેતી - દેતી બાબતે માથાકુટ થવા પામી હતી. જેને પગલે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં પ્રકાશ કથિરીયા ત્યાંથી રવાના થઈ ગયો હતો. બીજી તરફ પાર્ટીમાં બેઠેલાં અન્ય મિત્રો પણ પ્રકાશની પાછળ પાછળ પહોંચ્યા હતા. જો કે, દાંતેજ પાસે રસ્તામાં જ પ્રકાશ કથિરીયાએ પોતાની કાર અટકાવી દીધી હતી અને તેની પાછળ આવી રહેલા અન્ય મિત્રોને ધમકાવવા માટે પોતાની રિવોલ્વર કાઢીને એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. જો કે, આ ઘટનાને પગલે નશામાં ધૂત અન્ય મિત્રો પણ ગભરાઈ ગયા હતા અને પ્રકાશને આ પ્રકારનું કૃત્ય ન કરવા માટે જણાવ્યું હતું. અલબત્ત, દારૂનાં નશામાં ભાન ભૂલેલા પ્રકાશ કથિરીયાએ વધુ એક રાઉન્ડ ફાયરિંગ કરવા જતાં ગોળી તેના જાંઘના ભાગે વાગી હતી. અચાનક ગોળી વાગતાં પ્રકાશ કથિરીયા લોહી નિતરતી હાલતમાં ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો. ઘટના અંગે જાણ થતાં જ પોલીસનો કાફલો મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગંભીર અવસ્થામાં પ્રકાશ કથિરીયાને પ્રાથમિક સારવા માટે પારસી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે આઈએનએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તેની સઘન સારવાર કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને પ્રકાશ કથિરીયા સાથે પાર્ટીમાં કોણ કોણ હાજર હતું તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ઘટના સ્થળેથી મોબાઈલ અને કાર મળી આવી
મોડી રાત્રે દાંતેજ પાસે બે રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની વાત નવસારીમાં વાયુવેગે પ્રસરી જવા પામી હતી. બિલ્ડર પ્રકાશ કથિરીયા દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં તેને જ ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાને પગલે તપાસમાં જોતરાયેલી પોલીસને ઘટના સ્થળેથી પ્રકાશ કથિરીયાનો મોબાઈલ અને તેની ફોર્ચ્યુનર કાર પણ મળી આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે