

મહેસાણા, 09 જાન્યુઆરી (હિ.સ.) લાખવડ શાળાના વિદ્યાર્થી જેકી રાવતે ઉજ્જૈનમાં યોજાયેલી 6મી રાષ્ટ્રીય માર્શલ આર્ટ્સ ગેમ્સ – 2025માં શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતી શાળા અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધા 27, 28 અને 29 ડિસેમ્બર 2025ના રોજ રાજમાતા વિજયારાજે સિંધિયા સ્ટેડિયમ, નાનાખેડા, ઉજ્જૈન ખાતે યોજાઈ હતી.
જેકી રાવતે સાન્ડા (લડાઈ) ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી પોતાની લડતકુશળતા અને ઝડપી પ્રતિભાવનો ઉત્તમ પરિચય આપ્યો હતો. સાથે જ તેણે તાઓલુ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી પોતાની તકનીકી કળા અને શિસ્તબદ્ધ અભ્યાસને સાબિત કર્યો હતો. બે અલગ-અલગ ઇવેન્ટમાં મેડલ મેળવી તેણે રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા ઝલકાવી છે.
આ સ્પર્ધામાં ગુજરાત ટીમે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દ્વિતીય રનર-અપનો ખિતાબ જીત્યો હતો. ટીમની સફળતામાં માસ્ટર હરીશ રાવતના માર્ગદર્શન અને નેતૃત્વનો મહત્વનો ફાળો રહ્યો હતો.
સ્પર્ધાનું આયોજન માર્શલ આર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (MAAI) દ્વારા અને મેજબાની ટ્રેડિશનલ સ્પોર્ટ્સ લાઠી એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. દેશભરના 1,000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધેલી આ સ્પર્ધામાં કરાટે, કુન્ગફૂ, વુશુ, તાઈક્વાન્ડો સહિત વિવિધ માર્શલ આર્ટ્સ વિધાઓના મુકાબલાઓ યોજાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR