જામનગરના લાલપુરમાં દારૂબંધીના લીરા ઉડ્યા : ભરબજારે દારૂ ઢીંચીને વાણી-વિલાસ કરતા શખ્સનો વીડિયો થયો વાયરલ
જામનગર, 09 જાન્યુઆરી (હિ.સ.) :ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં કેટલાક દારૂના પ્યાસીઓ છાને ખૂણે અથવા તો જાહેરમાં દારૂનો નશો કરીને પોલીસ તંત્રની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે. આવો જ એક વિડીયો ગઈકાલે લાલપુરમાં વાયરલ થયો હતો. ત્યારબાદ લાલપુરનું પોલીસ તંત
દારૂ ઢીંચી વાણી વિલાસ કરતો શખસ


જામનગર, 09 જાન્યુઆરી (હિ.સ.) :ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં કેટલાક દારૂના પ્યાસીઓ છાને ખૂણે અથવા તો જાહેરમાં દારૂનો નશો કરીને પોલીસ તંત્રની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે. આવો જ એક વિડીયો ગઈકાલે લાલપુરમાં વાયરલ થયો હતો. ત્યારબાદ લાલપુરનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું, અને એક પરપ્રાંતિય નશાબાજને પકડી લીધો છે, અને પોલીસ લોકમાં બેસાડ્યો છે.

લાલપુરમાં ગઈકાલે ભર બજારે એક શખ્સ જાહેરમાં દારૂનો નશો કરીને દંગલ મચાવી રહ્યો હતો. જેને બેફામ વાણી વિલાસ કર્યો હતો, ત્યારબાદ પોતાના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની દારૂ ભરેલી કોથળી કાઢી હતી, અને બફાટ કરી રહ્યો હતો. દરમિયાન તેના હાથમા રહેલી દારૂની કોથળી એકાએક ફૂટી ગઈ હતી, અને દારૂ માર્ગ પર ઢોળાવા લાગ્યો હતો. દરમ્યાન તેણે કોથળીમાં જેટલો બચ્યો હોય તેટલો દારૂ જાહેરમાં જ પી લીધો હતો, અને દારૂની કોથળી જાહેરમાં ફેંકીને ચાલતી પકડી હતી.

જે અંગેનો વિડીયો ગઈકાલે લાલપુર સહિત સમગ્ર જિલ્લામાં વાયરલ થયો હતો, ત્યારબાદ લાલપુરનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું, અને મોડી સાંજે નશાબાદ શખ્સને શોધી કાઢ્યો હતો. પોલીસને પૂછપરછ દરમિયાન તેનું નામ ખેડૂ ઉર્ફે ભાવેશ જેતરભાઈ મોરી આદિવાસી (ઉંમર વર્ષ 25) મૂળ મહારાષ્ટ્રનો નાંદુરબારનો વતની હોવાનું અને હાલ લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતો હોવાનું જણાવ્યું હતું.

જે ગઈકાલે લાલપુરની બજારમાં આવ્યો હતો, અને તેણે ક્યાંથી દેશી દારૂ મેળવી લીધા બાદ તેનું જાહેરમાં સેવન કર્યું હતું. પોલીસ તપાસ દરમિયાન આ શખ્સનો અગાઉ પણ આ રીતે દારૂનું નશો કરવા અંગેનો વિડીયો વાયરલ થયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેને પોલીસ લોકઅપમાં બેસાડ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande