
જામનગર, 09 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરના નવાનાગના સોસાયટીના રહેવાસીઓએ મૃત પશુઓના નિકાલના પ્રશ્ને જામનગર મહાનગરપાલિકા કચેરી ખાતે ધરણા કર્યા હતા. રહેણાંક વિસ્તારથી માત્ર 50 મીટર દૂર દરરોજ 20 થી 30 મૃત પશુઓ નાખવામાં આવતા હોવાથી ભયંકર ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
રહેવાસીઓની રજૂઆત મુજબ, નવાનાગના રહેણાંક સોસાયટીથી માત્ર 50 મીટરના અંતરે દરરોજ 20 થી 30 મૃત પશુઓનો નિકાલ કરવામાં આવે છે. આશરે 1500-2000 ચોરસ મીટરની મર્યાદિત જગ્યામાં આટલા મોટા પ્રમાણમાં પશુઓના શબ નાખવાથી નિકાલ પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. પરિણામે, નવાનાગના, જૂના નાગના અને વિભાપર એમ ત્રણ ગામના 12,000 થી વધુ લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે.
સ્થાનિકોએ તંત્ર દ્વારા કાગળ પર દર્શાવવામાં આવતી વૈજ્ઞાનિક નિકાલ પ્રક્રિયાને પાયાવિહોણી ગણાવી હતી. તેમણે જણાવ્યું કે આટલી નાની જગ્યામાં દરરોજ 25 થી 30 પશુઓના મૃતદેહનો સંપૂર્ણ નિકાલ કરવો અશક્ય છે. વાસ્તવિકતામાં, ત્યાં મૃત પશુઓના માંસના અવશેષો અને હાડકાં ખુલ્લેઆમ પડ્યા રહે છે, જે કોઈ વૈજ્ઞાનિક નિકાલ નથી પરંતુ જનતાના આરોગ્ય સાથે ક્રૂર મજાક સમાન છે.
રહેવાસીઓએ માંગ કરી છે કે એક મહિનાની અંદર રહેણાંક વિસ્તાર પાસે મૃત પશુઓ નાખવાનું કાયમી ધોરણે બંધ કરવામાં આવે અને તેને અન્યત્ર ખસેડવામાં આવે. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી 30 દિવસમાં આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો તેઓ તેમના બાળકો અને વૃદ્ધો સહિત મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે કાયમી વસવાટ કરવા આવી જશે, કારણ કે જે ગામમાં શ્વાસ લેવો અશક્ય હોય ત્યાં રહેવા કરતાં કમિશનરની ઓફિસમાં રહેવું વધુ સુરક્ષિત છે.
--------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt