
ગીર સોમનાથ, 09 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ ધામમાં શ્રદ્ધા સાથે પર્યાવરણ સંરક્ષણનું અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ જોવા મળે છે. મંદિર પરિસરમાં વિકસાવવામાં આવેલું પવિત્ર બિલ્વ વન આજે માત્ર એક વનસ્પતિ વિસ્તાર નહીં, પરંતુ ભગવાન શિવ પ્રત્યેની અખૂટ ભક્તિ, સુવ્યવસ્થિત સંચાલન અને હરિત વિચારધારાનું જીવંત પ્રતીક બની ઊભર્યું છે.
આ બિલ્વ વન આશરે સાત વિઘા વિસ્તારમાં પથરાયેલું છે, જેમાં ૭૦૦ જેટલા બિલ્વ (બીલી)ના વૃક્ષો સુસજ્જ રીતે ઉગાડવામાં આવ્યા છે. આ તમામ વૃક્ષોનું સંવર્ધન વૈજ્ઞાનિક પદ્ધતિઓ સાથે ધાર્મિક ભાવનાને જોડીને કરવામાં આવે છે. અહીંથી દરરોજ નવા તથા જુના સોમનાથ મંદિર માટે બિલ્વ પત્ર મોકલવામાં આવે છે અને બંને મંદિરોમાં ભગવાન શિવના શિવલિંગ પર વિધિવત રીતે બિલ્વ પત્ર અર્પણ કરવામાં આવે છે.
દરરોજ આશરે પાંચ હજાર જેટલા બિલ્વ પત્ર આ વનમાંથી પસંદગીપૂર્વક એકત્રિત કરવામાં આવે છે. આ કામગીરી સંપૂર્ણ શ્રદ્ધા, નિયમિતતા અને શુદ્ધતાની ભાવના સાથે કરવામાં આવે છે, જેથી પૂજાવિધિમાં પવિત્રતા જળવાઈ રહે. બિલ્વ પત્રોની ઉપલબ્ધતા માટે મંદિરને બહારથી નિર્ભર રહેવું ન પડે, તે માટે આ વન એક સ્વયંપૂર્ણ વ્યવસ્થા રૂપે કાર્ય કરી રહ્યું છે. બિલ્વ વૃક્ષોની સંભાળ અને પોષણ માટે નિયમિત અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. પખવાડિયે છાણીયું ખાતર નાખી જમીનની ઉર્વરતા જાળવવામાં આવે છે, જ્યારે સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દ્વારા જરૂરી માત્રામાં પાણી પૂરું પાડવામાં આવે છે. આથી વૃક્ષોની વૃદ્ધિ, પાનની ગુણવત્તા અને દીર્ઘાયુ સુનિશ્ચિત થાય છે.
શંખ ચોક પાસે ઉપરાંત અન્ય બે સ્થળોએ આવા વનો બનાવવામાં આવ્યા છે. શંખ ચોક સ્થિત આ પવિત્ર બિલ્વ વનની સ્થાપના વર્ષ ૨૦૦૧માં કરવામાં આવી હતી. છેલ્લા બે દાયકાથી વધુ સમયથી આ વન શ્રદ્ધાળુઓની ભક્તિને આધાર આપતું આવ્યું છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીંથી સવા લાખ જેટલા બિલ્વ પત્ર મંદિરને મોકલવામાં આવે છે, જે ભગવાન શિવ પ્રત્યેની આસ્થા અને પરંપરાની મહત્ત્વપૂર્ણ કડી બની રહે છે. આ રીતે સોમનાથનું બિલ્વ વન પર્યાવરણ સંરક્ષણ, ધાર્મિક પરંપરા અને સુવ્યવસ્થિત આયોજનનો ઉત્તમ સમન્વય રજૂ કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ