
- ઢોલ અને તાશાના ૫૦ કલાકારો દ્વારા જોશ પૂર્ણ વાદન સાથે યાત્રિકો પણ નાચી ઊઠ્યા, ત્રણ ઢોલ તૂટી ગયા
ગીર સોમનાથ, 09 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આયોજિત ભવ્ય રવાડી દરમિયાન સમગ્ર સોમનાથ નગરી ભક્તિ અને ઉત્સાહથી ગુંજી ઊઠી હતી. રવાડીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ભક્તો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ રવાડી દરમિયાન ઢોલ-તાશાના કલાકારોએ પોતાની મનમોહક અને જોરદાર રજૂઆતથી વિશેષ આકર્ષણ ઉભું કર્યું હતું. અંદાજે ૫૦ જેટલા કુશળ કલાકારોએ ઢોલ અને તાસાના તાલ-લય સાથે પરંપરાગત સંગીત પ્રસ્તુત કરી વાતાવરણને રંગીન બનાવી દીધું હતું. ગગનભેદી નાદ સાથે યાત્રિકો પણ નાચી ઊઠથા હતા. વાદન એટલું જોશ પૂર્ણ હતું કે ત્રણ જેટલા ઢોલ તૂટી ગયા હતા.
ઢોલ-તાશાના ગુંજતા નાદ સાથે રવાડી આગળ વધતી રહી, જેના કારણે માર્ગના બંને બાજુ ઊભેલા દર્શકોમાં પણ ઉત્સાહની લાગણી જોવા મળી હતી. કલાકારોની સંકલિત રજૂઆતએ સમગ્ર કાર્યક્રમને લોકોત્સવના સ્વરૂપમાં રૂપાંતરિત કર્યો હતો.
રવાડી દરમિયાન ભક્તો દ્વારા જય શિવશંકર અને હર હર મહાદેવના નાદ સાથે સનાતન સંસ્કૃતિની મહિમા ગુંજાવવામાં આવી હતી. ઢોલ-તાશાના તાલ સાથે ભક્તિ અને આનંદનો અનોખો સંગમ સર્જાયો હતો.
આ રીતે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત નીકળેલી રવાડીમાં ઢોલ-તાશાના કલાકારોની પ્રસ્તુતિએ કાર્યક્રમની ભવ્યતા અને સાંસ્કૃતિક વૈભવને વધુ ઉજાગર કરી, ઉપસ્થિત સૌ માટે આ ક્ષણોને યાદગાર બનાવી દીધી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ