સોમનાથ સ્વાભિમાન પર્વ : શ્રદ્ધાળુઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભંડારા શરૂ કરવામાં આવ્યા
સોમનાથ, 9 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ ખાતે ૦૮-૧૧ જાન્યુઆરી દરમિયાન આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ દરમિયાન આવતાં હજારો શ્રદ્ધાળુઓને સુવ્યવસ્થિત અને અનુકૂળ સુવિધા મળી રહે તે હેતુસર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલ અને સેવાભાવી પહેલ તરીકે ૨ ભંડારા
શ્રદ્ધાળુઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભંડારા શરૂ કરવામાં આવ્યા


સોમનાથ, 9 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ ખાતે ૦૮-૧૧ જાન્યુઆરી દરમિયાન આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ દરમિયાન આવતાં હજારો શ્રદ્ધાળુઓને સુવ્યવસ્થિત અને અનુકૂળ સુવિધા મળી રહે તે હેતુસર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલ અને સેવાભાવી પહેલ તરીકે ૨ ભંડારા શરૂ કરવામાં આવ્યા છે. સોમનાથ મંદિરના શંખ સર્કલ પાસે આવેલા અધ્યાપન મંદિર અને સોમનાથ સાગર સેતુ પાસે આવેલી રીક્લેમ સાઇટ ખાતે સોમનાથના દર્શાનાર્થે પધારી રહેલા ભક્તો માટે દિવસરાત પ્રસાદની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ પ્રસાદની શરૂઆત બાદ ગુરૂવારે સોમનાથ ખાતે પધારેલા કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણમંત્રી પ્રદ્યુમભાઈ વાજા, ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવોઓએ શ્રદ્ધાળુઓને પ્રસાદ પીરસવાની સેવા કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ શિવભક્તો સાથે બેસીને પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો.

આ અન્નક્ષેત્રોમાં ગતરોજ અંદાજે ૧૧,૦૦૦ યાત્રિકોએ પ્રસાદ લીધો હતો. શ્રદ્ધાળુઓને સ્વચ્છ, પૌષ્ટિક અને સમયસર પ્રસાદ મળી રહે તે માટે આયોજનબદ્ધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અન્નક્ષેત્રોમાં સ્વચ્છતા, અમૂલ તરફથી પીરસવામાં આવી રહેલી છાશ, પીવાનું શુદ્ધ પાણી, બેઠક વ્યવસ્થા તથા વ્યવસ્થિત સેવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આ સેવા માટે બગદાણાધામના ૪૦૦ જેટલા સેવકો સોમનાથ ખાતે દિવસ-રાત સેવા આપી રહ્યા છે. ઈડરથી આવેલા રસોઈયા દ્વારા શુદ્ધ અને સાત્વિક પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રસાદમાં શાક-રોટલી, દાળભાત, બુંદી, ગાઠીયા પીરસવામાં આવી રહ્યા છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન યાત્રિકોને આરોગ્ય, સુરક્ષા અને મૂળભૂત સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ રહે તે દિશામાં સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ભંડારાની આ સેવા શ્રદ્ધાળુઓમાં વિશેષ સંતોષ અને પ્રશંસા પામી રહી છે. આ અંગે દહેગામથી આવેલા ઝાલા મુકેશસિંહે જણાવ્યું હતું કે, સોમનાથ સુધી આવવા જવાની વ્યવસ્થા સાથે શુદ્ધ પ્રસાદની વ્યવસ્થાનો લાભ મળ્યો, અહીંની સુવિધા યાત્રિકો માટે સુગમ અને સરળ છે.

મહિલાઓ પણ આ પ્રસાદ સેવાનો બહોળા પ્રમાણમાં લાભ લઈ રહ્યાં છે. આ અંગે સુરતના કામરેજના રહેવાસી જયાબહેન પરમારે જણાવ્યું હતું કે, સોમનાથમાં વહીવટીતંત્ર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથમાં પોલીસ-પ્રસાશન, સ્વચ્છતા સહિતની તમામ સગવડો ખૂબ સારી છે.

સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન યાત્રિકોની સુવિધા માટે ભંડારા સહિતની સેવાઓ સતત અને સુવ્યવસ્થિત રીતે ચાલુ છે. આ ભંડારા સુચારુ રીતે સંચાલિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોના ફરજ પરના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં દિવસરાત ફરજ બજાવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande