
પાટણ, 09 જાન્યુઆરી (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં સરકારી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ શરૂ કરવા માટે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે અગાઉ તમામ તાલુકાઓમાં સરકારી કોલેજ શરૂ કરવાની જાહેરાત કરી હતી અને સરસ્વતી તાલુકો છેલ્લા 20 વર્ષથી કાર્યરત હોવા છતાં હજુ સુધી કોલેજથી વંચિત છે.
સરસ્વતી તાલુકો પછાત અને બક્ષીપંચ વસ્તી ધરાવતો વિસ્તાર છે, જ્યાંના ગરીબ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પાટણ કે અન્ય શહેરોમાં જવું પડે છે. આ પરિસ્થિતિને કારણે ખાસ કરીને ગરીબ અને પછાત વર્ગની દીકરીઓને શિક્ષણ અધવચ્ચે છોડવું પડે છે, જે ચિંતાજનક બાબત છે.
આ તાલુકામાં 65થી વધુ ગામો આવેલાં છે. જો અહીં સરકારી કોલેજ શરૂ કરવામાં આવે તો તમામ ગામોના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મોટી સુવિધા મળશે. ધારાસભ્યએ મુખ્યમંત્રીને આગામી બજેટમાં તેનો સમાવેશ કરી સરસ્વતી તાલુકામાં સરકારી કોલેજ શરૂ કરવા વિનંતી કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ