
પાટણ, 09 જાન્યુઆરી (હિ.સ.) દાંતા તાલુકાના માલ ગામના આર્થિક રીતે નબળા પરિવારના અધૂરા માસે જન્મેલા જોડિયા બાળકોને ધારપુર મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ નવજાત શિશુ સંભાળ એકમ (SNCU) માં બે મહિનાની નિ:શુલ્ક સારવાર બાદ સ્વસ્થ બનાવવામાં આવ્યા છે. જન્મ સમયે 1000 ગ્રામ અને 900 ગ્રામ વજન ધરાવતા આ બાળકોનું વજન સારવાર બાદ અનુક્રમે 1.6 કિલો અને 1.530 કિલો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ જોડિયા બાળકોને 8 નવેમ્બર 2025ના રોજ SNCU વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંને બાળકોને Hyaline Membrane Diseaseના કારણે શ્વાસ લેવામાં તકલીફ તથા શરીરનું તાપમાન ઓછું થવાની સમસ્યા હતી, જેના કારણે તેમને સઘન તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા.
સારવાર દરમિયાન INSURE પદ્ધતિથી સરફેક્ટન્ટ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. પુત્રને 5 દિવસ અને પુત્રીને 8 દિવસ વેન્ટિલેટર પર રાખ્યા બાદ C-PAP તથા નાક દ્વારા ઓક્સિજન આપવામાં આવ્યું. અધૂરા માસે જન્મના કારણે થતી અન્ય જટિલતાઓ માટે IV એન્ટિબાયોટિક, જરૂરી ઇન્જેક્શન, બ્લડ ટ્રાન્સફ્યુઝન તેમજ કાંગારુ મધર કેર (KMC) પદ્ધતિથી સતત સારવાર આપવામાં આવી.
સતત બે મહિનાની મહેનત બાદ બાળકો સંપૂર્ણપણે ઇન્ફેક્શન મુક્ત થતા 6 જાન્યુઆરી 2026ના રોજ તેમને રજા આપવામાં આવી હતી. સમગ્ર સારવાર પ્રધાનમંત્રી આયુષ્માન યોજના (PM-JAY) અંતર્ગત વિનામૂલ્યે આપવામાં આવી હતી. બાળકો સ્વસ્થ થતા પરિવારજનોએ પીડીયાટ્રીક વિભાગના વડા ડો. નેહા શર્મા, સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો. પારુલ શર્મા, ડીન ડો. હાર્દિક શાહ સહિત સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ