કેન્દ્રીય જળશક્તિ મંત્રી સુરત રેલવે સ્ટેશનથી સુરત જિલ્લાના 1296 જેટલા શ્રદ્ધાળુઓની સુરત-વેરાવળ સ્પેશ્યલ ટ્રેનને ફલેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું
સુરત, 09 જાન્યુઆરી (હિ.સ.) ભારતની પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત કેન્દ્ર એવા સોમનાથ મંદિર ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે, ત્યારે હજારો શ્રદ્ધાળુઓ દેશભરમાંથી સોમનાથ દાદાના દર્શનાર્થે જઈ રહ્યા
Surat


સુરત, 09 જાન્યુઆરી (હિ.સ.) ભારતની પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત કેન્દ્ર એવા સોમનાથ મંદિર ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે, ત્યારે હજારો શ્રદ્ધાળુઓ દેશભરમાંથી સોમનાથ દાદાના દર્શનાર્થે જઈ રહ્યા છે. આજ રોજ સુરત રેલ્વે સ્ટેશનથી સુરત અને વેરાવળની સ્પેશિયલ ટ્રેનને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ફલેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

‘ભારત માતા કી જય, હર હર મહાદેવ, ઓમ નમઃશિવાય’ના નાદ સાથે સુરત જિલ્લાના ૧૨૯૬ જેટલા વડીલો, યુવાનો સહિતના શ્રદ્ધાળુઓ સાથેની ટ્રેનને રવાના કરાઈ હતી.

આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, 'વિકાસ ભી, વિરાસત ભી'ના ધ્યેય સાથે દેશના ઈતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. આજથી લગભગ એક હજાર વર્ષ પહેલા ગઝનવી દ્વારા સોમનાથ મંદિર પર આક્રમણ કરીને તેને તોડવામાં આવ્યું હતું. વર્ષ 2026માં આ ઘટનાને એક હજાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, તે સમયે સનાતન હિન્દુ ધર્મના આ આસ્થાકેન્દ્રને નષ્ટ કરીને ધર્મ અને તેમાં આસ્થા ધરાવતા લોકો પર પ્રહાર કરવામાં આવ્યો હતો. આવો પ્રહાર એક વખત નહીં, પરંતુ અનેક વખત કરવામાં આવ્યો, પરંતુ અનેક આક્રમણો બાદ પણ અંતે આસ્થાનો વિજય થયો. જે લોકો ધર્મને નુકસાન પહોંચાડવા પ્રયાસ કરતા હતા તેમનો પરાજય થયો અને આજે પણ સનાતન હિન્દુ ધર્મ પ્રત્યેની અડગ આસ્થા લોકોના હૃદયમાં યથાવત્ રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે, એક હજાર વર્ષના ઇતિહાસને ઉજાગર કરવા માટે વડાપ્રધાન સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી ભવ્ય કલાકારો, મહેમાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે સ્વયં હાજરી આપવા જઈ રહ્યા છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલે અવિરત પ્રયત્નો કરીને મંદિરનું ભવ્ય પુન: નિર્માણ કરાવ્યું હતું. વડાપ્રધાનએ આ પરંપરાને આગળ વધારીને પ્રાચીન વૈભવને અનુરૂપ સોમનાથ મંદિરને સોનાથી મઢવાનું ઐતિહાસિક કાર્ય પૂર્ણ કર્યું છે.

આ વેળાએ ધારાસભ્ય ર્સવ મુકેશ પટેલ, સંગીતા પાટીલ, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, નાયબ પોલિસ અધિક્ષક ડી.એચ.ગોર, અગ્રણી વી.ડી.ઝાલાવાડીયા રેલ્વેના અધિકારી-કર્મચારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande