
મહેસાણા, 09 જાન્યુઆરી (હિ.સ.) આજરોજ કડી ખાતે આવેલ અગોલ આયુષ્યમાન આરોગ્ય મંદિરની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભરત સોલંકી દ્વારા સત્તાવાર મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.
ડો. ભરત સોલંકી આરોગ્ય મંદિરના વિવિધ રેકર્ડ અને રજીસ્ટરોની ચકાસણી કરી હતી. ઓપીડી, દવા વિતરણ, રસીકરણ, માતા અને બાળ આરોગ્ય સેવાઓ તેમજ સરકારની વિવિધ આરોગ્ય યોજનાઓના અમલીકરણ અંગે વિગતવાર માહિતી મેળવી. ખાસ કરીને હાઈ રિસ્ક ANC (ગર્ભવતી માતાઓ) ની મુલાકાત લઈ તેમની આરોગ્ય સ્થિતિ, તપાસ અને અનુસરણ (Follow-up) અંગે આરોગ્ય સ્ટાફ સાથે ચર્ચા કરવામાં આવી.
આ દરમિયાન આરોગ્ય કર્મચારીઓને સમયસર નોંધણી, ચોક્કસ ડેટા એન્ટ્રી, નિયમિત તપાસ અને દર્દીઓ પ્રત્યે સંવેદનશીલતા રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી. ડો. સોલંકીએ ણાવ્યું હતું કે આયુષ્યમાન આરોગ્ય મંદિરો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના નાગરિકો માટે પ્રાથમિક આરોગ્ય સેવાઓનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે, તેથી તેની કામગીરી ગુણવત્તાપૂર્વક થવી જરૂરી છે.
મુલાકાત દરમિયાન તબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ તથા આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. અંતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત અને અસરકારક બનાવવા સતત દેખરેખ અને ટીમવર્ક પર ભાર મૂક્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR