
સુરત, 09 જાન્યુઆરી (હિ.સ.): ઉતરાયણ પર્વની ઉજવણી દરમિયાન ઘાયલ થતાં અબોલ પક્ષીઓની સારવાર-બચાવ કાર્ય માટે રાજ્ય સહિત સુરત જિલ્લામાં 10 થી 20 જાન્યુઆરી દરમિયાન ‘કરુણા અભિયાન’ યોજાશે. વન વિભાગ, પશુપાલન વિભાગ તેમજ નવસારી વેટરનરી યુનિ.નાં સહયોગથી આ અભિયાન અંતર્ગત સુરત જિલ્લામાં 12 કલેક્શન સેન્ટર, 23 સારવાર કેન્દ્રો કાર્યરત કરાયા છે. જેમાં 51 વેટરનરી તબીબો સહિત 17 NGOનાં 733 સ્વયંસેવકો કાર્યરત રહેશે.
આ અભિયાન અંતર્ગત વધુ માહિતી આપતાં સુરત જિલ્લા વન સંરક્ષક અધિકારીએ જણાવ્યું કે, સુરત જિલ્લામાં છેલ્લા વર્ષોના ડેટાને આધારે શહેરી વિસ્તારમાં કેટલાંક ‘હોટ સ્પોટ્સ’ નજીક વધુ પ્રમાણમાં કરુણા એમ્બ્યુલન્સ તેમજ સારવાર કેન્દ્રો ઉભા કરાશે જેથી અબોલ જીવને તાત્કાલિક સારવાર મળી રહે. તેમજ કરુણા અભિયાન વિષે બાળકોમાં જાગૃતતા વધારવાના હેતુથી આ દિવસો દરમિયાન શહેર-જિલ્લાની શાળાઓમાં વધુમાં વધુ કાર્યક્રમો હાથ ધરાશે.
વધુમાં તેમણે જાહેર જનતાને ચાયનીઝ માંજાનો ઉપયોગ ન કરવા, સુર્યોદય તથા સુર્યાસ્તના સમયે ખોરાક માટે વિચરતા પક્ષીઓને ધ્યાને લઇ તે સમય દરમિયાન પતંગ ન ચગાવવા તેમજ ઘાયલ પક્ષીઓ વિષે તાત્કાલિક આપેલી હેલ્પલાઇન પર જાણ કરવા અપીલ કરી હતી. સાથે જ મોટી સંખ્યામાં લોકોને અબોલ પક્ષીઓ પ્રત્યે કરુણા દાખવી ‘Give It Up For Life’ નો સંદેશો આપવા આગ્રહ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે