

- કચ્છના લોકપ્રિય હાસ્ય કલાકાર પ્રભુભાઈ આહીરની અનોખી પહેલ.
- દીકરા પ્રિન્સને જન્મદિવસે ભેટમાં આપ્યા સેવાભાવના સંસ્કાર, સમાજને આપ્યો પ્રેરણાદાયી સંદેશ.
કચ્છ, 10 ઓક્ટોબર (હિ.સ.) : આજના સમયમાં જન્મદિવસની ઉજવણી એટલે કેક કાપવો, મિત્રો સાથે પાર્ટી કરવી અને ભેટોની આપ-લે કરવી, એવી સામાન્ય માન્યતા વચ્ચે કચ્છના લોકપ્રિય હાસ્ય કલાકાર અને વાગડ વિસ્તારમાં પોતાની આગવી ઓળખ ધરાવતા પ્રભુભાઈ આહીરે એક અનોખી પહેલ દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું છે. પોતાના દીકરા પ્રિન્સના 15મા જન્મદિવસને યાદગાર બનાવવા માટે તેમણે ભવ્ય ઉજવણી કે દેખાડાને બદલે રક્તદાનને પસંદ કર્યું અને માનવસેવાનો ઉમદા સંદેશ આપ્યો.
દીકરાના જીવનના આ ખાસ પ્રસંગે પ્રભુભાઈ આહીરે રક્તદાન કરીને સાબિત કર્યું કે જન્મદિવસની સાચી ખુશી માત્ર પોતાના પરિવાર પૂરતી સીમિત ન હોવી જોઈએ, પરંતુ સમાજના જરૂરિયાતમંદ લોકોના જીવનમાં પણ આશાનું કિરણ બની શકે છે. પરિવાર સાથે સાદગીપૂર્વક દિવસની ઉજવણી કરવાની સાથે તેમણે માનવતાને પ્રાધાન્ય આપીને એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે, કારણ કે જરૂરિયાતના સમયે રક્તની એક બોટલ કોઈ દર્દી માટે જીવન બચાવવાનું માધ્યમ બની શકે છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો, ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ અને શસ્ત્રક્રિયા દરમિયાન રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે રક્તદાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં જન્મદિવસ જેવા આનંદના પ્રસંગને સેવાકાર્ય સાથે જોડવાની પ્રભુભાઈની પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની શકે છે.
સંતાનના જન્મદિવસે માતા-પિતા મોંઘી ભેટો આપીને ખુશી વ્યક્ત કરતા હોય છે, પરંતુ પ્રભુભાઈ આહીરે દીકરા પ્રિન્સને એક અલગ જ સંદેશ આપ્યો છે. સંપત્તિ કરતાં સંસ્કાર, દેખાડા કરતાં સાદગી અને સ્વાર્થ કરતાં પરોપકારનું મહત્ત્વ સમજાવતી તેમની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે.
લોકોને હસાવીને તેમના ચહેરા પર સ્મિત લાવતા પ્રભુભાઈએ આ વખતે પોતાના સેવાભાવી કાર્યથી લોકોનાં દિલ જીતવાનો પ્રયાસ કર્યો છે. તેમની આ પહેલ અન્ય પરિવારોને પણ જન્મદિવસ અને અન્ય પ્રસંગોએ રક્તદાન, વૃક્ષારોપણ, જીવદયા કે જરૂરિયાતમંદોની મદદ જેવાં સેવાકાર્યો કરવા પ્રેરણા આપે તેવી આશા છે.
'જન્મદિવસની સાચી ઉજવણી કેકમાં નહીં, કોઈના જીવનમાં ખુશી લાવવામાં છે' — આ ભાવનાને સાકાર કરતી પ્રભુભાઈ આહીરની પહેલ પિતાના પ્રેમની સાથે માનવતા અને સંસ્કારોનું મહત્ત્વ પણ ઉજાગર કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar