સિદ્ધપુર પાસે ખોટી નંબર પ્લેટવાળી કારમાંથી 816 દારૂની બોટલો ઝડપાઈ, ₹8.39 લાખનો મુદ્દામાલ જપ્ત
પાટણ, 10 ઓક્ટોબર (હિ.સ.)પાટણ એલસીબી પોલીસે સિદ્ધપુર નજીક સરસ્વતી નદીના પુલ પાસે વોચ ગોઠવી બાતમીના આધારે ખોટી નંબર પ્લેટ લગાવેલી કિયા સેલ્ટોસ કારને રોકી હતી. કારમાંથી રાજસ્થાનના ચાલક નરેશકુમાર બિશ્નોઈ (ઉંમર 26 વર્ષ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે
સિદ્ધપુર પાસે ખોટી નંબર પ્લેટવાળી કારમાંથી 816 દારૂની બોટલો ઝડપાઈ, ₹8.39 લાખનો મુદ્દામાલ જપ્ત


પાટણ, 10 ઓક્ટોબર (હિ.સ.)પાટણ એલસીબી પોલીસે સિદ્ધપુર નજીક સરસ્વતી નદીના પુલ પાસે વોચ ગોઠવી બાતમીના આધારે ખોટી નંબર પ્લેટ લગાવેલી કિયા સેલ્ટોસ કારને રોકી હતી. કારમાંથી રાજસ્થાનના ચાલક નરેશકુમાર બિશ્નોઈ (ઉંમર 26 વર્ષ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની 23 પેટીઓમાં ભરેલી કુલ 816 બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત ₹3,34,800 હોવાનું જાણવા મળ્યું હતું. ચાલક પાસે દારૂના પરિવહન માટે કોઈ પાસ-પરમિટ ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

પોલીસે દારૂ ઉપરાંત ₹5,000ની કિંમતનો મોબાઈલ ફોન અને ખોટી નંબર પ્લેટ લગાવેલી ₹5,00,000ની કિયા સેલ્ટોસ કાર પણ જપ્ત કરી હતી. કારમાંથી બીજી નંબર પ્લેટ મળી આવી હતી, જેનો અસલ રજિસ્ટ્રેશન નંબર GJ 01 WX 8604 હોવાનું જાણવા મળ્યું હતું. આમ, પોલીસે દારૂ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ ₹8,39,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પકડાયેલા નરેશકુમાર બિશ્નોઈએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે દારૂ તેને પ્રકાશભાઈએ આપ્યો હતો અને આ દારૂ અમદાવાદમાં રમેશ નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો. આ માહિતીના આધારે સિદ્ધપુર પોલીસે નરેશકુમાર બિશ્નોઈ, પ્રકાશભાઈ અને રમેશ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં પ્રકાશભાઈ અને રમેશની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande