
સુરત, 10 ઓક્ટોબર (હિ.સ.): શનિવાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, સુરત દ્વારા સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલ નંબર-14 ખાતે ‘નન્હી કિલકારી’ અંતર્ગત પોક્સો (POCSO) અંગે જાગૃતિ અને ‘નશામુક્ત ભારત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે 10મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ બી.કે. આવાસિયા, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરતના સચિવ ન્યાયાધીશ આર.એલ. ગુપ્તા, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અજયભાઈ જગતાપ, વહીવટી અધિકારી અવિનાશભાઈ પાટીલ, મેહુલભાઈ મહેતા, વકીલ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેરા લીગલ વોલન્ટિયર (PLV) પ્રદીપ શિરસાઠ તેમજ શાળાનાં આચાર્ય પ્રારંબીબેન ખત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પોક્સો કાયદા અંગે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. બાળકોની સુરક્ષા, તેમના અધિકારો અંગેની જાગૃતિ તથા કોઈપણ અયોગ્ય પરિસ્થિતિમાં યોગ્ય વ્યક્તિ કે સત્તાધિકારીનો સંપર્ક કરવા અંગે સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, નશાના દુષ્પરિણામો અને નશામુક્ત જીવનના મહત્ત્વ વિશે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને અભ્યાસ અને દૈનિક જીવન દરમિયાન મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રશ્નોત્તરી સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબો આપી તેમની જિજ્ઞાસાઓનું સમાધાન કર્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં કાયદાકીય જાગૃતિ વધારવા, બાળકોના અધિકારો અને સુરક્ષા અંગે સમજ કેળવવા તેમજ નશામુક્ત સમાજના નિર્માણ માટે નવી પેઢીને પ્રેરિત કરવાનો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે